જામનગર: જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના મામલતદાર અને તેનો વચેટીયો રૂપિયા ૧૬૦૦ની લાંચ લેતા આબાદ પકડાઈ ગયા છે. સસ્તા અનાજ દુકાનના સંચાલકની અંદર આવતા કાર્ડ ધારકોના કાર્ડમાં સબ સલામત હોવાનો રીપોર્ટ આપવા માટે મામલતદારે એક કાર્ડ દીઠ રૂપિયા બે માંગ્યા હોવાનું સામે આવ્યું છે. જામનગર એસીબીએ આજે લક્ષ્મીપાર્ક વિસ્તારમાંના મેઈન રોડ પર ટ્રેપ ગોઠવી મામલતદાર અને વચેટિયાને લાંચ લેતા પકડી પાડ્યા હતા.
લાલપુર પંથકમાં આવેલ સસ્તા અનાજની દુકાનોમાં સમયાંતરે અનાજ વિતરણ અંગે તપાસણી રીપોર્ટ કરવાનો રહે છે. આ કાર્યવાહી તાલુકા મામલતદાર દ્વારા કરવામાં આવે છે. માતાના નામે સસ્તા અનાજની દુકાન ચલાવતા એક આસામીને મામલતદાર બીપીન નારણભાઈ રાજકોટિયાએ વચેટિયા ખાખાભાઈ નારણભાઈ સાગઠીયા મારફતે એક રાશન કાર્ડ દીઠ રૂપિયા બે લેખે ચારસો કાર્ડના રૂપિયા ૮૦૦ની લાંચ આપવા કહેવડાવ્યું હતું. માસિક રૂપિયા ૮૦૦ની રકમ બાદ બે મહિનાના રૂપિયા ૧૬૦૦ આપવા મામલતદારે કહી લાંચની માંગણી કરી હતી. જેને લઈને દુકાનદારે જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. આજે રૂપિયા ૧૬૦૦ની રકમ લઇ દુકાનદાર લાલપુર પહોચ્યા હતા. જ્યાં મામલતદારે દુકાનદારને કહ્યું હતું કે લક્ષ્મીપાર્ક મેઈન રોડ ભરતભાઈ તેરૈયાના મકાનની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં વચેટિયા ખાખાભાઈને રકમ પહોચતી કરવા સુચના આપી હતી. જેમાં ઉપરોક્ત સ્થળે રૂપિયા ૧૬૦૦ની લાંચ લેતા વચેટીયા ખાખાભાઈ રંગે હાથ પકડાયા બાદ એસીબીની એક ટીમ મામલતદાર કચેરી પહોચી હતી અને મામલતદારને પણ આંતરી લીધા હતા. મામલતદાર લાંચ લેતા પકડાયા હોવાના સમાચારના પગલે મહેસુલ વિભાગમાં ચર્ચાઓનો દોર ચાલ્યો હતો.