જામનગર અપડેટ્સ : લાલપુર તાલુકા મથકે ગઇકાલે સાંજે એક કારનો પીછો કરી પાંચ શખ્સોએ યુવાન પર હુમલો કરી હત્યા નિપજાવવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામી છે. અગાઉના ઝઘડાના મનદુ:ખને લઇને કાર સાથે નિકળેલા યુવાનનો પીછો કરતા કાર પલટી મારી ગઇ હતી. કારમાંથી બહાર આવતા જ આરોપીઓ ઘાતક હથિયારો વડે યુવાન પર તુટી પડયા હોવાનું સામે આવ્યું છે.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે હત્યા પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ ગઇકાલે પાંચેક વાગ્યે રાધણવા નદીના બેઠા પુલ પાસેથી જી.જે.12 કે.5797 નંબરની કાર લઇને નિકળેલા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાડેલી ગામના રીઝવાન અબ્દુલભાઇ જુણેજાનો તેના જ ગામના પાંચ શખ્સોએ પીછો કર્યો હતો. જેમાં આગળ જતા કાર પલટી ગઇ હતી. કારમાંથી જેવા રીઝવાનભાઇ બહાર આવ્યા તે સાથે જ પાછળથી પીછો કરી આવી ચડેલા ઇકબાલ વલીમામદ સફીયા, અશરફ વલીમામદ સફીયા, ઇસ્માઇલ મુસા સોરા અને રજાક ઇસ્માઇલ સોરા તથા હારૂન ઇસ્માઇલ સોરા નામના પાંચ શખ્સોને પોલીસે આંતરી લીધા હતા. આજે તો આને પુરો કરી નાખવો છે, જીવતો છોડવો નથી એમ કહી પાંચેય શખ્સોએ લોંખડના કુહાડા, પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરી, બન્ને પગના ભાગે તથા માથાના ભાગે તેમજ ગોઠણના ભાગે રીઝવાનભાઇને ઇજા પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા રીઝવાનભાઇ જમીન પર ઢળી પડયા બાદ પાંચેય શખ્સો નાશી ગયા હતા. દરમ્યાન યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયાં લાલપુર પોલીસ દફતરો સ્ટાફ દોડી ગયો હતો અને રીઝવાનનું નિવેદન લઇ પાંચેય શખ્સો સામે આઇપીસી કલમ 307, 325, 323, 504, 143, 147 સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદના આધારે પી.એસ.આઇ. ડી.એસ.વાઢેર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે. આરોપીઓ અને યુવાન વચ્ચે અગાઉ થયેલા ઝઘડાના મનદુ:ખને લઇને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હત્યા પ્રયાસના બનાવને લઇને પોલીસે નાશી ગયેલા આરોપીઓને શોધવા માટે જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરી છે