કચ્છ : નીરના વધામણા સમયે ડૂબી ગયેલો યુવાન જામનગરનો, પરિવારમાં શોક

0
757

જામનગર: કચ્છના મુન્દ્રામાં પડેલા ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે. જેને લઈને ચોતરફ ખુશીનો માહોલ સર્જાયો છે. પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે નદીમાં આવેલ નવા નીરના વધામણા કરવા ઉમટી પડેલ મેદની વચ્ચે એક યુવાનનું ડૂબી જતા મૃત્યુ નીપજતા ખુશીના માહોલ વચ્ચે ગમગીની છવાઈ ગઈ હતી. જોજનો દુર બનેલ ઘટનાના પગલે જામનગરના બેડી વિસ્તામાં માતમ છવાઈ ગયો છે. કારણ કે રોજીરોટી અર્થે મુન્દ્રા ગયેલ યુવાનનું ડૂબી જતા મૃત્યુ નીપજ્યું છે,

આજે મુન્દ્રા ખાતે સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં નવા નીરના વધામણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાસ્ત્રોક્ત વિધિ મુજબની ક્રિયા બાદ નદીમાં પધરાવેલ નાળીયેલ લેવા એક યુવાને ડૂબકી લગાવી હતી. પરંતુ જોત જોતામાં યુવાન ઊંડા પાણીમાં ખેંચાઈ ગયો હતો અને ડૂબી ગયો હતો. સંખ્યાબંધ લોકોની હાજરીમાં થયેલ ઉત્સાહ પૂર્ણ કાર્યક્રમમાં આ ઘટના ઘટતા દોડધામ મચી ગઈ હતી. હરખનો આ પ્રસંગ મુન્દ્રામાં તો શોક ઉભો કર્યો છે પરંતુ જામનગરમાં પણ આ બનાવે ભારે ગમગીની ફેલાવી છે. કેમ કે જે યુવાન ડૂબી ગયો છે તે જામનગરના બેડી વિસ્તારમાં રહેતો જાકીર કાસમભાઈ કારા હોવાનું સામે આવ્યું છે. રોજીરોટી માટે આ યુવાન સહીત બેડી વિસ્તારના અનેક યુવાનો મુન્દ્રા સ્થાઈ થયા છે જેમાના જાકીરનું ડૂબી જતા મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. તેઓના જામનગરના સબંધી હારુનભાઈ પલેજાએ જણાવ્યું હતું કે જાકીર આમ તો તારુ હતું દરિયામાં પણ અનેક વખત કામ કર્યું છે. પરંતુ તળાવ અંદર ક્યાંક કોઈ વસ્તુ સાથે ફસાઈ જતા કદાચ આ બનાવ બન્યો હશે એમ ઉમેર્યું હતું. મૃતકના લગ્ન થઇ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. આ સમાચારની જાણ થતા જામનગરના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

NO COMMENTS