જેની લીલાઓ અપરમ્પાર છે એવા ભગવાન શ્રી કૃષ્ણની કર્મ ભૂમિની કાયાપલટ થવા જઈ રહી છે. યાત્રાધામ દ્વારકામાં કોરીડોર બનાવી ધાર્મિક પ્રવાશન ક્ષેત્રને નવી દિશા દેવા સરકાર કટિબદ્ધ છે. અહી ભગવાન શ્રી કૃષ્ણની સૌથી ઉંચી પ્રતિમાનું પણ સર્જન કરવામાં આવશે. જયારે બેટ દ્વારકાને આધુનિક ટાપુનું રૂપ આપી વૈશ્વિક ટુરિસ્ટ પોઈન્ટ બનાવવા સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે બે હજાર કરોડ ઉપરાંત રૂપિયાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
મધ્યપ્રદેશના ઉજૈનમાં મહાકાલ મંદિર આસપાસ કોરીડોર બનાવી સરકારે યાત્રાધામોના વિકાસના દ્વાર ખોલ્યા છે. મહાકાલથી શરુ થયેલ આ વિચાર હવે દ્વારકા સુધી પહોચ્યો છે. સરકાર દ્વારકામાં શ્રી કૃષ્ણ કોરીડોર બનાવવા જઈ રહી છે. કેન્દ્રીય બજેટમાં પણ આ કોરીડોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને જરૂરી કાર્યવાહી પણ શરુ કરી દેવામાં આવી છે.
કેન્દ્રસરકારના આ મહત્વકાક્ષી પ્રોજેક્ટ અંતર્ગત મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાની નીચે એક ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. આઈલેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટીની મળેલ આ પાંચમી બેઠકમાં ગુજરાતના બેટ દ્વારકા અને શિયાળબેટ ટાપુને વૈશ્વિકરૂપ આપવા મુદ્દે ચર્ચાઓ થઇ હતી. અહી આધુનિક સુવિધાઓ પ્રદાન કરી દેશ વિદેશના પ્રવાશીઓ માટે એક નંબરનું ટુરિસ્ટ પોઈન્ટ બનાવવા વિચારણા કરવામાં આવી હતી. ટાપુઓના વિકાસ માટે સરકારે ૨૦૭૭ કરોડ રૂપિયાની જોગવાઈ પણ બજેટમાં કરી છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારના અતિ મહત્વકાક્ષી શ્રી કૃષ્ણ કોરીડોરને આકાર આપવા માટે દ્વારકા એરિયા ડેવલોપમેન્ટ ઓથોરીટી (દાદા)ની રચના કરવા પણ મીટીંગમાં સૂચનો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દ્વારકા નજીક શિવરાજપુર બીચમાં ખૂટતી સુવિધાઓ પૂર્ણ કરવા પણ ભાર મુકવામાં આવ્યો હતો.