ખુન્નસ : સાવ સામાન્ય બાબતે જામજોધપુર પંથકમાં નીપજાવાઈ હત્યા, આવું છે કારણ

0
631

જામનગર અપડેટ્સ : જિલ્લાના જામજોધપુર તાલુકા ભરડકી ગામે એક-બીજાના મકાનમાં ફીટ કરવામાં આવેલ પતરા બાબતે થયેલા ડખ્ખામાં લોહી રેડાયું છે. બન્ને પરિવાર સામસામે આવી જતા પિતા-પુત્રએ એક આઘેડની હત્યા નિપજાવતા સનસનાટી મચી જવા પામી છે. મૃતકના ભાઇને પણ ગંભીર ઇજા પહોંચતા તેની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. આ બનાવ અંગે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.

 જામજોધપુર તાલુકાના ભરડકી ગામે ગઇકાલે બપોરે 12 વાગ્યા આસપાસ બે પરિવારો આમને-સામને આવી ગયા હતા. જેમાં રમેશ લખમણભાઇ સાંગાણી અને તેના પુત્ર સોહિલ સાંગાણીએ જયંતિભાઇ સાંગાણી અને તેના પરિવારના સભ્યો પર લોંખડની કોસ અને સળિયા વડે હુમલો કર્યો હતો. જેમાં જયંતિભાઇને માથાના ભાગે લોંખડની કોસનો એક ઘા ફટકારવામાં આવતા તેમનું કમકમાટીભર્યુ મૃત્યું નિપજ્યું હતું અને બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જયારે મૃતકના ભાઇ ગોવિંદભાઇને પણ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તથા મૃતકના પુત્ર ડેનીશભાઇને પણ મુંઢ ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા શેઠવડાળા પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જયાં ઘવાયેલાઓને હોસ્પિટલ ખસેડી, સ્થળ પંચનામુ કરી પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગે ડેનીશભાઇએ રમેશ સાંગાણી અને તેના પુત્ર સોહિલ સાંગાણી  સામે પિતાની હત્યા અને કાકાની હત્યા પ્રયાસ સંબંધીત ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી રમેશભાઇએ પોતાના મકાનમાં પતરા નાખેલ હોય, આ પતરા મૃતક જયંતિભાઇના મકાનની દિવાલને અડકતા હતા. જેથી પિતા-પુત્રને મકાનની દિવાલે સિમેન્ટનો વાટો કરેલ હોય, જે વાટો કાઢી નાખવા કહ્યું હતું અને નવી દિવાલ ચણી લેવાનું પણ કહ્યું હતું. જેને લઇને પિતા-પુત્ર ઉશ્કેરાઇ ગયા હતા અને હુમલો કરી દીધો હતો.
જયારે સામા પક્ષે રમેશભાઇ સાંગાણીએ ડેનીશ, મૃતક જયંતિભાઇ, ગંભીર રીતે ઘવાયેલ ગોવિંદભાઇ તથા લાભુબેન ધરમશીભાઇ સાંગાણી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચારેય શખ્સોએ મળીને બિભત્સ વાણી વિલાસ આચરી લોખંડની કોસ અને લાકડી વડે માર મારી, પિતા-પુત્રને ઇજા પહોંચાડી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ફરિયાદમાં પણ ઉપરોકત બાબતને લઇને ઝઘડો થયો હોવાનું દર્શાવાયું છે. શેઠવડાળા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે જામજોધપુર પંથક સહિત જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે.

NO COMMENTS