દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના વડાલીયા સિહણ ગામે આજે બપોરે તળાવમાં નહાવા પડેલ બે યુવાનો ડૂબ્યા હતા. જેમાં એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જયારે એક યુવાનનો આબાદ બચાવ થયો હતો. આ બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. જયારે ખંભાલીયા ફાયરે ડૂબી ગયેલ યુવાનના દેહને બહાર કાઢ્યો હતો. આ બનાવના પગલે હતભાગી પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.
દિવાળી અને બેસતા વરસના પર્વને ધામધૂમથી ઉજવણી કર્યાને માત્ર બે જ દિવસ થયા છે ત્યાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામખંભાલીયા તાલુકાના વડાલીયા સિહણ ગામે આજે બપોરે કરુણાંતિકા સર્જાઈ હતી. જેમાં બપોરે તળાવમાં બે યુવાનો ન્હાવા પડ્યા હતા. આ બંને યુવાનો પાણીની ઊંડાઈ માપતા થાપ ખાઈ ગયા હતા અને ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જો કે બે પૈકી એક યુવાન કિનારે પહોચી ગયો હતો અને તેનો બચાવ થયો હતો.જયારે વિનોદ ખીમજીભાઈ ડગરા નામનો યુવાન ઊંડા પાણીમાં ગરદ થઇ ગયો હતો. આ બનાવના પગલે એકત્ર થયેલ ગ્રામજનોએ ખંભાલીયા ફાયરને જાણ કરી હતી. ફાયરની એક ટીમ સિહણ ગામે પહોચી બચાવ કાર્ય શરુ કર્યું હતું. જો કે પાણીમાં ગરદ થયેલ યુવાનનો દેહ જ મળ્યો હતો. આ બનાવના પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.