દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા-લીંબડી ધોરી માર્ગ પર સીદસરા ગામના પાટિયાથી આગળ પુર ઝડપે દોડતી એક કારે રીક્ષાને ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો. જેમાં ગંભીર ઈજાઓ પહોચતા રાણ ગામના વૃધ્ધાનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે મૃતકની ત્રણ પૌત્રીઓ અને પુત્રવધુ તેમજ પુત્ર અને રીક્ષા ચાલકને ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાણ ગામે રહેતો લુહાર પરિવાર જુંગી વારા વાછરાદાદાના મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે અર્ધ રસ્ત્તે અકસ્માતનો ભોગ બની ગયા હતા.

ખંભાલીયા- લીંબડી ગામે વચ્ચે આવેલ હાઈવે રોડ ઉપર સીદસરા ગામના પાટીયા થી આગળ જતા માર્ગ પર ગત તા. પેલીના રોજ જીજે ૧૩ એએચ ૭૩૧૫ વાળી કારના ચાલકે પોતાની કાર પુર ઝડપે તથા બેફિકરાઈથી ચલાવી સામે આવતા જીજે 7 એટી ૧૬૩૨ નંબરના રીક્ષાને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો. જોરદાર ઠોકરથી રીક્ષા પલટી ગઈ હતી. અને રીક્ષામાં સવાર રાણ ગામના વર્ષાબહેન કલ્મેશભાઈ સિદ્ધપુરા ઉવ ૫૭, તેમની દીકરીઓ સંગીતાબેન ઉવ ૩૨, ચેતનાબેન ઉવ ૨૮ અને રૂપાલબેન ઉવ 26 તેમજ નાના ભાઈ મહેન્દ્રભાઈ જીવનભાઈ સિદ્ધપુરા ઉવ ૩૫ તથા તેમના માતા વિજયાબેન જીવણભાઈ સિદ્ધપુરા ઉવ ૮૨ અને રીક્ષા ચાલક ઈશ્વરભાઈ કણજારીયા ને ફેકચર જેવી ઇજાઓ પહોચી હતી. આ ઘટના બાદ ગંભીર રીતે ઘવાયેલ વિજ્યાબેનને જામનગર ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર કમલેશભાઈએ આરોપી કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. મૃતક વૃધ્ધા પોતાના નાના પુત્ર અને પુત્રવધુ તેમજ પૌત્રીઓ સાથે જુંગી વારા વાછરાદાદાના મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા.