દેવભૂમિ દ્વારકા: ખંભાલીયામાં મગફળીના દાણાનો વ્યાપાર કરતા એક વેપારી સાથે સુરતની પેઢીએ લાખોનો વેપાર કર્યા બાદ અમુક રૂપિયા ચૂકતે કરી પોણા સાત લાખ રૂપિયાનું બુચ મારી દીધું હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. એક વખત દસ લાખનો વેપાર કર્યા બાદ ખંભાલીયાના વેપારીને વિશ્વાસમાં લઇ સુરતીઓએ બાવીસ લાખનો વેપાર કરી છેતરપીંડી આચરી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.
કલ્યાણપુર તાલુકાના કૃષ્ણગઢ ગામના રાજેશ ગોજીયા નામના યુવાન ખંભાલીયામાં મગફળીના દાણાનો વેપાર કરવા સ્થાઈ થયા છે. રામનાથ મંદિર પાછળ બીએનજી ઇન્ટરનેશનલ નામે પેઢી શરુ કરી વેપાર શરુ કર્યો હતો. ત્રણ વર્ષથી ચાલતી પેઢીએ પોતાની વેબ સાઈટ મારફતે વ્યાપાર વધારવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ વેબસાઈટ પર સુરતની નીલકંઠ ટ્રેડીંગ નામની પેઢીના માલિક રાજેશભાઈ એ સંપર્ક કરી એડવાન્સમાં પેમેન્ટ કરી રૂપિયા દસ લાખના દાણા ખરીદ કર્યા હતા. ત્યારબાદ આ જ પેઢીએ વીસ ટન દાણા ખરીદ કરવાની વાત કરી વેપાર કરવાની તૈયારી દર્શાવી હતી.
જે માટે પાંચ લાખ રૂપિયાનું પેમેન્ટ એડવાન્સમાં કરી આપી સિક્યુરીટી પેટે ૨૨ લાખ રૂપિયાના વલણ ધરાવતા સુરતની બેંકના ચેક આપ્યા હતા. દાણા મળ્યે બાકીના 17 લાખ ઉપરાંતની રકમ આપી દેવાનો વાયદો કરવામાં આવ્યો હતો. જો કે દિવસો નીકળી જવા છતાં રૂપિયા નહી આપતા રાજેશભાઈએ સુરત જઈ તપાસ કરતા આવી કોઈ પેઢી જ ન હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત ઓર્ડર આપનાર સખ્સનું નામ રાજેશભાઈ નહિ પરંતુ સુરતના જ કિરીટ વલ્લભભાઈ મુંગરા હોવાનું સામે આવ્યું હતું.
આ કિરીટભાઈ પોતાના સમીર દશરથભાઈ પટેલ સાથે મળી પેઢી ચલાવતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ બંને સખ્સોએ બાકી રહેતા રૂપિયા વીસ દિવસમાં ચૂકવી આપવા નોટરી લખાણ કરી આપી એક લાખ ચૂકવ્યા હતા. પરંતુ બાકી રહેતા પોણા સાત લાખ રૂપિયા આજ દિવસ સુધી નહિ ચુકવતા રાજેશભાઈએ બંને સુરતી સખ્સો સામે છેતરપીંડી અને વિશ્વાસઘાત સબબ ફરિયાદ નોંધાવી છે પોલીસે સુરત સુધી તપાસ લંબાવી બંને સખ્સો સુધી પહોચવા ચક્રો ગતિમાન કર્યા છે.