ખંભાળિયા : સોસાયટીઓ ડૂબી, રહેણાંક બન્યા બેટ, વીજળી ગુલ, રાત્રે ૧૧ વાગ્યાની આ છે સ્થિતિ

0
1345

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાલીયા ખાતે આજે આભ ફાટી પડ્યું હોય તેમ સાંબેલાધાર બાર ઇંચ સહીત ૧૮ ઇંચ વરસાદ પડી જતા શહેર બેટમાં ફેરવાઈ ગયુ છે અનેક વિસ્તારો ના રહેણાંક મકાનોમાં પાણી ઘુસી ગયા છે. ખામનાથ, રામનાથ, વૃજધામ અને નવાનાકા વિસ્તારમાં અનેક મકાનોમાં ગોઠણ પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.

દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાલીયા ખાતે આજે અતિવૃષ્ટિ થતા જળબમબાકાર થયો હતો. સાંજે છ વાગ્યા સુધીમાં છ ઇંચ વરસાદ નોંધ્યા બાદ છ થી આઠ વાગ્યાના ગાળામાં સાંબેલાધાર બાર ઇંચ વરસાદ પડી જતા સમગ્ર શહેર બેટમાં તબદીલ થઇ ગયું હતું, નીચાણ વાળી સોસાયટીઓમાંથી પાણી ઘરો અંદર ઘુસી ગયા હતા. જયારે આઠથી દસ વાગ્યાના અંતિમ બે કલાકના ગાળામાં વધુ એક ઇંચ વરસાદ થતા સ્થળ ત્યાં જળ થઇ ગયું હતું. બાર ઇંચ પાણીનો નિકાલ ન થયો ત્યાં વધુ એક ઇંચ વરસાદથી શહેર બેટમાં તબદીલ થઇ ગયું હતું. એક તરફ ભારે વરસાદના કારણે મોટાભાગના શહેરમાં વીજળી ગુલ થઇ જતા અંધાર પટ્ટ છવાયો હતો. જયારે સાંબેલાધાર વરસાદને લઈને મહાપ્રભુજીની બેઠક આસપાસ, વૃજધામ સોસાયટી, રામનાથ સોસાયટી, રામનાથ મંદિર પાછળની ન્યુ રામનાથ સોસાયટી, ખામનાથ સોસાયટી, વાયકેજીએન સોસાયટી, દત્તાણી નગર, યોગેશ્વરનગર, ધરમપુરમાં યોગેશ્વર સોસાયટીમાં પેરેલીસીસના દર્દી વસંતભાઈના ઘરમાં પાણી ઘુસી જતા રેસ્ક્યુ કરવા પડ્યા હતા. આ ઉપરાંત શક્તિનગરના અમુક શેરીઓ, રેલ્વે સ્ટેશન પાસેની તુલસીપાર્કમાં પણ ચાર ચાર ફૂટ પાણી ભરાઈ ગયા હતા. એક તરફ વીજળી ગુલ થઇ જતા નગરજનોની હાડમારીમાં વધારો થયો છે, હજુ પણ વરસાદી જોર હોવાથી ખંભાલીયા પર ભારે વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. રાત્રીના આઠ થી દસ વાગ્યાના બે કલાકમાં ગાળામાં કલ્યાણપુરમાં ત્રણ ઇંચ, ભાણવડમાં બે ઇંચ અને દ્વારકામાં એક ઇંચ વરસાદ પડ્યો હોવાનું કંટ્રોલરૂમ જણાવે છે.

NO COMMENTS