ખંભાલીયા : પોલીસ સ્ટેશનમાં જુગારના વિડીઓ બાદ જુગારનો જ વાયરલ થયો સ્ફોટક ઓડિયો, ખાતામાં આવું ચાલે છે ??

0
1669

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાલીયા  પોલીસ દફતરના જુગાર પ્રકરણનો વિડીઓ વાયરલ થયા બાદ આ જ પ્રકરણમાં કોની શું ભૂમિકા દર્શાવતો ઓડિયો વાયરલ થયો છે. જો કે જામનગર અપડેટ્સ આ ઓડિયોની પુષ્ટિ કરતુ નથી. જો ઓડિયોમાં બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ સાચો હોય તો પોલીસ દફતરમાં કેવો ભ્રષ્ટાચાર વ્યાપ્ત છે તેનો વાસ્તવિક ચહેરો બહુ બીજામણો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાનું ખંભાલીયા પોલીસ દફતર હાલ ચર્ચામાં છે કારણકે એકાદ મહિના પૂર્વેનો એક વિડીઓ વાયરલ થતા પોલીસ દફતર સમગ્ર રાજ્યમાં ચર્ચામાં આવ્યું હતું. જેમાં જુગારીઓને પકડીને પોલીસ સ્ટાફ દફતરમાં બેસાડી ખુદ પત્તા ટીચતા દેખાયો છે. આ વિડીયો વાયરલ થતા જ એસપી સુનીલ જોશીએ તાત્કાલિક એલસીબીને તપાસ સોપી દીધી છે. એલસીબી આ પ્રકરણની તપાસ કરે તે  પૂર્વે વધુ એક ઓડિયો વાયરલ થતા સનસનાટી મચી ગઈ છે. ઓડિયોમાં ચંદુભાઈ ગઢવી અને પરબત બોદર નામના બે વ્યક્તિઓ વચ્ચે જુગાર દરોડા અને ત્યારબાદની પોલીસ કાર્યવાહી, પોલીસનો જુગાર, પોલીસનો ભ્રષ્ટાચાર અને પોલીસમાં વ્યાપ્ત હપ્તા સીસ્ટમનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. જો ઓડિયોની પ્રમાણિકતા માની લઈએ તો એક વ્યક્તિ દાવો કરે છે કે જે તે દરોડામાં પોતે પણ આરોપી હતો. સાતમ આઠમ પૂર્વે ખંભાલીયા પોલીસ દફતરના સ્ટાફે દરોડો પાડી રૂપિયા ૭૦ હજાર કબજે કર્યા હતા બાકી બધાય રૂપિયા પોલીસ ચાઉં કરી ગઈ છે. ઓડિયોમાં કરાયેલ દાવો સાચો હોય તો પોલીસ ૩૯ હજાર રૂપિયાનો તોડ કર્યો છે. આ ઉપરાંત એક-એક આરોપી પાસેથી રૂપિયા ૧૫૦૦-૧૫૦૦ની રકમ પણ લીધી હતી. એમાય એક આરોપી પાસેથી તો રૂપિયા ૫ હજારની રકમ લીધો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વાયરલ વિડીઓ મીડિયામાં આવ્યા બાદ બંને વચ્ચે ટેલીફોનીક સંવાદ થયો હોય એમ લાગે છે. જુગાર પ્રકરણમાં કોણ-કોણ પોલીસવાળા હતા તેનો પણ ઉલ્લેખ  કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દારૂ-જુગારના હપ્તા સીસ્ટમ અંગે પણ વાતચીત થતી સંભળાય છે. જો ઓડિયોમાં થયેલ સંવાદ સત્ય હોય તો પોલીસ વિભાગમાં ચાલતો ભ્રષ્ટાચાર કેવો છે તેનું વરવું સ્વરૂપ રજુ થયું છે.

પરબત બોદર નામનો વ્યક્તિ એમ પણ કહે છે કે વિડીઓ વાયરલ થયા બાદ પોતાને એલસીબીમાંથી ફોન આવ્યો હતો અને નિવેદન નોંધાવી જવા કહેવાયું છે એમ બોલતો સંભળાય છે. આગામી સમયમાં પોતે હવે આવા પ્રકરણ પર નજર રાખશે એમ પણ બોલતા સંભળાય છે.

વધુ એક ઓડિયો સામે આવતા સતત બીજા દિવસે ખંભાલીયા પોલીસની કીરકિરી થવા પામી છે. જો કે આ પ્રકરણની તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક પોલીસકર્મીઓના પટ્ટા ઉતરી જાય એમ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here