ખંભાળીયા : નગ્નકાંડમાં પાંચેય આરોપીઓને પોલીસનો સપોર્ટ હતો ? ચાર દિવસના રિમાન્ડમાં સામે આવશે કારણ ?

0
1286

જામનગર અપડેટ્સ : જામ ખંભાલીયા ખાતે મંગળવારે એક યુવાનને સંપૂર્ણ નગ્ન કરી બજારમાં ફેરવવામાં આવતા સનસનાટી મચી ગઈ હતી. રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા અંગે ટીકા-ટિપ્પણીઓ થતા જ પ્રકરણ દિવસભર મીડિયામાં ગાજતું રહ્યું હતું. પોલીસ વિભાગની બદનામી થતા જ રાજય પોલીસ અધિક્ષકની કચેરીમાંથી ઓર્ડર છૂટ્યો હતો, જેમાં એસપી તરીકેના ચાર્જમાં રહેલા ચૌધરીને હટાવી ગાંધીનગર ઈન્ટેલીજન્સના એસપી વાઘેલાને તાત્કાલીક ચાર્જ સોંપવામાં આવ્યો છે.બીજી તરફ આ પ્રકરણની ગંભીરતાને લઈને રેંજ આઈજી પણ ખંભાલીયા દોડી આવ્યા હતા અને તાત્કાલિક અસરથી એલસીબીને તપાસ સોંપવામાં આવી હતી. જેને લઈને એલસીબીએ પાંચેય આરોપીઓને પકડી પાડી તા. ૭ સુધી રિમાન્ડ પર લીધા છે.

ભોગગ્રસ્ત ચંદુ રુડાચ નામનો યુવાન તાજેતરમાં ફેસબુક લાઈવ થયો હતો અને આરોપીઓના ક્રિકેટના સટ્ટાના કેસ અંગે ચર્ચાઓ કરી હતી. જેનું મનદુઃખ રાખી આરોપીઓએ ગઈ કાલે જ કાવતરું રચી જુના શારદા સિનેમા પાસેથી યુવાનનું અપહરણ કર્યું હતું. અને ક્રેટા કારમાં ગોંધી વિરમદળ રોડ લઇ ગયા હતા. જ્યાં ઢીકાપાટુંનો માર મારી પાંચ હજારનો મોબાઈલ તોડી નાખ્યો હતો. ત્યારબાદ નગ્ન કરી ફરી શહેરમાં લઇ આવી આરોપી માણસી ભોજાણી અને કાના જોધા ભોજાણીએ ઢીકાપાટુંનો માર મારી બદનામ કરવાના ઈરાદાથી નગ્ન હાલતનું રેકોર્ડીંગ કરી વિડીયો વાયરલ કરાવડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બંને ઉપરાંત તેના અન્ય ભાઈઓ ભારા જોધા ગઢવી, પ્રતાપ જોધા ગઢવી, જોધા ગઢવી, કિરીટ જોધા ગઢવી  સામે અપહરણ, કાવતરું, ગોંધી રાખવા અને મારમારવા તેમજ નગ્ન કરી ફેરવવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ફરીયાદ નોંધી હતી.

આ બનાવ પ્રસાર પ્રચાર માધ્યમોમાં ચમકતા જ રાજ્ય સરકાર હરકતમાં આવી હતી. અન્ય રાજ્ય સાથે ગુજરાતના કાયદો અને વ્યવસ્થાની સરખામણી કરવામાં આવતા જ રાજ્ય સરકાર સ્થાનિક પોલીસની કાર્યવાહીથી નારાજ થઇ હતી અને તાત્કાલિક અસરથી ઇન્ચાર્જ એસપી તરીકે રહેલ હરેન્દ્ર ચૌધરી પાસેથી ચાર્જ લઇ તેની  જગ્યાએ ગાંધીનગર ઈન્ટેલીજન્સના એસપી વિશાલ કુમાર વાધેલાને તાત્કાલિક અસરથી ચાર્જ આપ્યો છે. આ ચાર્જ દરમિયાન જીલ્લામાં કેમ્પ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે એસપી સુનીલ જોશી તા. ૨૮/૧૧થી ૧૫/૧૨ સુધી પેટરનીટી રજા પર છે તેઓની જગ્યાએ એએસપી ચૌધરીને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. બીજી તરફ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ રેંજ આઈજી સંદીપકુમાર પણ તાત્કાલિક ખંભાલીયા દોડી આવ્યા હતા અને પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે આ પ્રકરણની તાત્કાલિક અસરથી એલસીબીને તપાસ સોંપવામાં આવી છે. એલસીબીએ આ પ્રકરણમાં સંડોવાયેલ પાંચેય આરોપીઓને પકડી પાડ્યા હતા. એલસીબીએ પાંચેય સખ્સોને આજે કોર્ટ સમક્ષ રજુ કરી તા.૭ સુધી ચાર દિવસના રિમાન્ડ પર લીધા છે.
આરોપીઓ અને ખંભાલીયા પીઆઈ વચ્ચેના સબંધો, તેમજ અન્ય પોલીસ કર્મીઓનો આરોપીઓને સપોર્ટ છે કે કેમ ? તેમજ આરોપીઓએ આચરેલ કૃત્યનો સાચો મકશદ જાણવા માટે એલસીબીએ પાંચેયની પૂછપરછ હાથ ધરી છે.

NO COMMENTS