જામનગર: ગત ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં ખંભાલીયા તાલુકાના વાડીનાર વિસ્તારમાં આવેલ નયારા કંપનીમાં પાઈપલાઈન શીફટીંગની કામગીરી દરમિયાન અચાનક ગરમ સ્ટીમ પાણીના ફુવારા સાથે નીકળતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પાંચ શ્રમિકો દાજી ગયા હતા. મહિના પૂર્વે સર્જાયેલ આ દુર્ઘટનામાં લાંબી સારવાર બાદ ભરાણા ગામના એક શ્રમિકનું મૃત્યુ નીપજ્યું છે. જે તે સમયે કંપની દ્વારા આ બનાવ પર ઢાંક પીછોડો કરવાના અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના દેવરિયા ગામ પાસે આવેલ નાયરા રીફાયનરી સી.ડી.યુ યુનીટ-૧ ખાતે ગત ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહના અતિમ દિવસે તા.૦૭/૦૮/૨૦૨ના રોજ કનકસિંહ ભગુભા જાડેજા તથા અન્ય વર્કરો તથા ફિલ્ડ ઓફિસર છેલ્લા ચારેક દિવસથી પાઈપલાઈન શીફટીંગની કામગીરી કરતા હતા. જેમા છેલ્લા ત્રણેક દિવસ પહેલા આ પાઈપલાઈનમા ગરમ વરાળ નાખેલ હતી અને પાઈપલાઈનમા ડ્રેનીંગ પોઈંટ કરેલ હતા. જે પોઈંટ મારફતે પાઈપલાઈનમા રહેલ ડામર તથા અન્ય કેમીકલ તથા ગરમ સ્ટીમ (વરાળ) નીકળતી હતી જે પ્રોસેસ ગઈ.તા. ૦૭/૦૮/૨૦૨૩ ના સવારથી બંધ થઈ ગયેલ હતી અને જેથી પાઈપલાઈનમા રહેલ વાલ્વા દ્વારા બન્ને છેડે પાઈપલાઈન ખુલ્લી હતી. આ પાઈપલાઈનમાથી ડામર કે કેમીકલ કે ગરમ સ્ટીમ (વરાળ) નીકળતી ન હતી જેથી કનકસિંહ તથા અન્ય વર્કરો તથા નયારા કંપનીના ફિલ્ડ ઓફિસર મળીને પાઈપલાઈન શીફટીંગનુ કામ કરી રહયા હતા તે દરમ્યાન અચાનક ગરમ સ્ટીમ પાણીના ફુવારા સાથે નીકળતા કનકસિંહ તથા તેની સાથે કામ કરતા અન્ય વર્કરોને ગરમ સ્ટીમ લાગતા દાઝી જતા ગયા હતા. દરમિયાન તમામને જામનગર અને રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન કનકસિંહનું ગઈ તા.૧૩/૧૦/૨૦૨૩ના રોજ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું.
આ દુર્ઘટના બાદ કંપની દ્વારા ઢાંકપીછોડો કરવામાં આવ્યો હતો. સવારે ઘટેલ ઘટના અંગે છેક સાંજે અધુરી વિગતો પ્રસાર પ્રસાર માધ્યમોને આપવામાં આવી હતી. જો કે આ બનાવ કંપનીની બેદરકારીને કારણે જ સર્જાયો હોવાનું મૃતકના ભાઈના નિવેદનથી સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે કંપનીમાં શ્રમિકોની સલામતી સામે સવાલો ઉઠ્યા છે.