જામનગર : વાડીનારમાં આવેલ આઈઓસી કંપનીમાં કોન્ટ્રાકટરને કામ કરવામાં અડચણ ઉભી નહી કરવા માટે મહિલા સરપંચ અને તેના ડોક્ટર પતિએ રૂપિયા દોઢ લાખની લાંચ સ્વીકારી લેતા એસીબીની ટ્રેપમાં ફસાયા છે. આ એજ સરપંચ છે જેની ખંભાલીયાના મીડિયાએ સરપંચ તરીકે નવાજ્ય બાદ આરતી ઉતારી ખુબ ખુબ વખાણ કર્યા હતા. પણ સરપંચ અને તેના ડોક્ટર પતિએ ટૂંકા ગાળામાં જ ચોખલિયા પત્રકારોની હવા કાઢી નાખી છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના વાડીનાર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ હુશેનાબાનુ અબ્બાસભાઈ સંઘાર અને તેણીના ખંભાલીયા ખાતે ખાનગી કલીનીક ચલાવતા ડેનટીસ્ટ પતિ ડો.અબ્બાસભાઇ ઇબ્રાહીમભાઇ સંઘારએ તાજેતરમાં IOCL વાડીનાર ખાતે બાઉન્ડ્રી વોલનું બાંધકામ અને સાઇટ ડેવલપમેન્ટ કરવા માટેના કામનો વર્ક ઓર્ડર મેળવનાર પેઢીના માલિક સાથે કામ કરવા બાબતે ચર્ચાઓ કરી હતી. આ કામ ચાલુ કરવા દેવા તથા કામમાં અડચણ નહીં કરવા માટે વાડીનાર ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિએ રૂ.૪,૦૦,૦૦૦ તથા ઘરવખરીનો સામાન, ૩-મોબાઇલ તથા બે આઇફોનની માંગણી કરી હતી. જે પૈકી ઘરવખરીનો સામાન તથા બે સેમસંગ તથા એક નોકીયા મળી ૩ મોબાઇલ ફોન તથા રૂ.૫૦,૦૦૦ રોકડા મેળવી લીધા હતા. આ ઉપરાંત વધારાના રૂપિયા ૩,૫૦,૦૦૦/- તથા બે આઇ ફોન પૈકી રૂ.૧,૫૦,૦૦૦ની રકમ માટે સરપંચના ડોક્ટર પતિ તરફથી વારે વારે કહેવામાં આવતા ગઈ કાલે ફરિયાદીએ ડોક્ટરને રાજકોટ બોલાવ્યો હતો. આ પૂર્વે તેઓએ રાજકોટ એસીબીનો સંપર્ક કરી ટ્રેપ ગોઠવી હતી. જેમાં ડોક્ટર પતિ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, સરપંચ વતી રૂા.૧,૫૦,૦૦૦ ની લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો.
આ એજ સરપંચ અને સરપંચ પતિ છે જેની સ્થાનિક મીડિયાએ સારી એવી વાહવાહી કરી હતી. શિક્ષિત સરપંચને લઈને ગ્રામ પંચાયતનો વિકાસ થશે જ એવા લેખો પ્રકાશિત કર્યા હતા. પરંતુ ટૂંકા ગાળામાં જ એસીબીની ટ્રેપમાં સપડાઈ જતા ચોખલિયા પત્રકારોએ વખાણ કરતા થાકતા ન હતા તેઓ આજે મોઢા સંતાડતા થઇ ગયા છે.