ખંભાલીયા: હત્યાને અકસ્માતે મોતમાં ખપાવી દેવાનો કારશો

0
1716

ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે વીજ કોન્ટ્રાક્ટર સાથે કામ કરતા મહીસાગર જિલ્લાના એક મજૂરએ અન્ય મજૂર યુવાન પર લાકડાના ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી, મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ સામે આવ્યો છે. પગથિયાં પરથી પડી જતા ઇજા થઇ હોવાનું આરોપીએ પ્રથમ નિવેદન આપી મૃતકને હોસ્પિટલ ખસેડયો હતો. સપ્તાહ પૂર્વેની આ ઘટનાને પ્રથમ અકસ્માતે મોતમાં ખપાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ મૃતક મજૂરના પરિવારજનોએ મૃતક સાથે રહેલ અન્ય મજૂરોને બનાવ બાબતે પૂછતાં સમગ્ર હકીકત સામે આવી છે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે ગત તારીખ 22 મીના રોજ વિક્રમ ઉર્ફે પૃથ્વીસિંહ ઉર્ફિયો હીરાભાઈ રાઠોડ ઉવ. 30 રહે. લીમડવાડા ગામ તાલુકો વીરપુર જીલ્લો મહીસાગર વાળા યુવાનને માથાના ભાગે ગંભીરતા પહોંચતા ખંભાળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી પ્રાથમિક સારવાર આપી આ યુવાનને જામનગર રીફર કરવામાં આવ્યો હતો પરંતુ ગંભીર ઈજા હોવાથી તેને અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો. મૃતકની સાથે કામ કરતા તેના જ ગામના રમેશભાઈ ગોરાભાઈ ઠાકોર એ નિવેદન આપ્યું હતું કે પગથિયા પરથી પડી જતા વિક્રમને ગંભીર ઇજા પહોંચી છે. દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ નીપજ્યું હતું. 

યુવાન પુત્રના મૃત્યુ અંગે પરિવારને શંકા જતા તેની સાથે કામ કરતા પુંજાભાઈ હીરાભાઈ ઠાકોર ને આ બનાવ અંગે મૃતકના પિતાએ પુછા કરી હતી. જેમાં સમગ્ર હકીકત બહાર આવી હતી ગદ્દ તારીખ 20 મીના રોજ રાત્રે જમવા બાબતે મૃતક અને તેની સાથે રહેલા રમેશ ઠાકોર વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં રમેશે લાકડાના ધોકા વડે હુમલો કરી વિક્રમને ગંભીર ઇજા પહોંચાડી હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ પતાવી દેવાની ધમકી આપતા તેની સાથે રહેલા યુવાનો ચૂપ રહ્યા હતા.

પરંતુ મૃતકના પિતાએ સમગ્ર ઘટના અંગે ખંભાળિયા પોલીસના જાણ કરતા પોલીસે તપાસ કરી હતી જેમાં ઘટનાની હકીકતો સામે આવતા પોલીસે આરોપી રમેશ સામે હત્યા સંબંધિત ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે.વીજ કંપનીના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા રવિભાઈની સાથે મહીસાગર જિલ્લાના ચાર મજૂરો મજૂરી કામ કરવા આવ્યા હોવાનું અને સોનારડી ગામે રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

NO COMMENTS