જ્યારથી દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાલીયા નજીક જામનગર રોડ પરનું ટોલ નાકું શરુ થયું છે ત્યારથી વિવાદોનું ઘર બની ગયું છે. સામાન્ય બોલાચાલી તો કાયમ થતી જ રહે છે પરંતુ ગઈકાલે ટોલનાકા પરના સંચાલકોએ તેના અદ્મદલ ગુંડાઓ જેવા જ મળતીયાઓ સાથે મળીને કારચાલક અને તેની સાથે રહેલા અન્ય બે યુવાનો પર મારી નાખવાના ઇરાદે હુમલો કરી, ઓફિસમાં ગાંધી રાખી, માથે કાર ચડાવી દેવા અને હત્યા નિભાવવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામી છે. ટોલનાકા સંચાલકો માથાભારે અને રાજકીય વર્ગ ધરાવતા હોવાથી છાશવારે કાયદો હાથમાં લેતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાણે પોલીસનો કોઈ કંટ્રોલ ન હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે.
![](https://www.jamnagarupdates.com/wp-content/uploads/2023/02/images-37.jpeg)
ખંભાળિયામાં કાર લે-વેંચનો ધંધો કરતા અને શીવપાર્ક સોસાયટી-૧, ઓપેરા TVS શોરૂમની પાછળ, હર્ષદપુર ખાતે રહેતા દેવુ ડાડુભાઈ ચાવડા પોતાની સ્વીફ્ટ ડીજાયર કાર GJ 01 KN 8578 વાળી લઇ જામનગર બાજુથી ખંભાળીયા આવતા હતા. ત્યારે જામનગર હાઇવે રોડ પર ધરમપુર-દાંતા ટોલનાકા પર પહોંચતા કાર ચાલક દેવુભાઈએ તેમની પાસે રહેલ ફાસ્ટેગ દ્વારા ટોલટેક્ષ કપાવવા માટે કાર ઉભી રાખી હતી. પરંતુ નાકા પર રહેલા આરોપી કિશન ગઢવી એ દેવુભાઈને રોકડ ટોલટેક્ષ આપવા કહ્યું હતું. દેવુભાઈએ તેમને ફાસ્ટેગ વડે ટોલટેક્ષ આપવાનુ કહેતા આરોપી નાગડાભાઇ ગઢવી, સામરાભાઇ ગઢવી, રાજદિપસિંહ, ધવલ ગઢવી, નિખિલ, સુનિલગીરી, અનોપ મેનેજર, પ્રકાશ ગઢવી, હર્ષદ ગઢવી વાળાઓએ તેઓની સાથે બોલાચાલી કરી, જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી હતી અને ઉશ્કેરાઈ જઈ આરોપી કિશન ગઢવીએ દેવુભાઈને માર મારી, ગાડીની ચાવી કાઢી લઇ, ત્યારબાદ થોડે દુર લઇ જઇ આરોપી કિશન ગઢવી, નાગડાભાઇ ગઢવી અને રાજદિપસિંહએ, જપાજપી કરી હતી. ત્યારબાદ દેવુભાઈ ઓફીસની અંદર લઇ જઇ આરોપીઓએ દેવુભાઈ તથા તેની સાથેના પરેશ લાખાભાઈ ચાવડા તથા જયદિપસિંહ જાડેજાને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ ત્રણેયને મારી નાખવાના ઇરાદે આરોપી હર્ષદ ગઢવી વાળાએ પરેશ ચાવડાને માથામાં ધોકો મારી ઇજા કરી તથા આરોપી અનોપ મેનેજરએ જયદિપસિંહ જાડેજાને ધોકા વડે શરીરે માર મારી મુંઢ ઇજા કરી તથા ડાબા હાથની કોણીના ભાગે ફ્રેકચર કરી, પરેશને માર મારી શરીરે મુંઢ ઇજા કરી તથા આરોપી ઉદય ગઢવી અને સાજાભાઇ ગઢવીએ થાર ગાડી નં.૦૦૦૭ ની લઇ આવી, આ ગાડી આરોપી ઉદય ગઢવી એ ચલાવી પરેશ ચાવડાને મારી નાખવાના ઇરાદે તેના પર ચઢાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો.
આટલું ઓછું હોય તેમ ત્રણેયને ઓફીસમાં બંધ કરી આરોપી કિશન ગઢવીએ મારી નાખવાના ઇરાદાથી જાપટો તથા ધોકા વડે માર મારી શરીરે મુંઢ ઇજા તથા જમણા ખંભાના ભાગે ફ્રેકચર કરી તથા આરોપી યાસીન વાળાએ ધોકા વડે દેવુભાઇ માથાના ભાગે માર મારી ઇજા કરી તથા આરોપી ઉદય ગઢવીએ પણ જાપટો મારી સામાન્ય ઇજા કરી આરોપીઓએ કાયદો હાથમાં.લીધો હતો. આ બનાવ અંગે સારવાર લીધા બાદ દેવુભાઈએ તમામ આરોપીઓ સામે ૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૨૩,૩૨૫,૩૦૭,૩૪૨,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી. એકટ કલમ.૧૩૫(૧) હોવાની ફરિયાદ નોંધાવી છે. છેલ્લા છેક મહિનાથી શરૂ થયેલ ટોલનાકા પર અવારનવાર માથાકૂટ થતી રહે છે છતાં પણ પોલીસ દફતરે મામલો પહોંચતો નથી અને પહોંચે છે તો પણ સમાધાન સુધી પહોંચી જાય છે. જેને લઇને રાજકીય વર્ગ ધરાવતા સંચાલકો અને ટોલનાકા પર કામે રાખેલા ગુંડા તત્વો દ્વારા અવારનવાર નિર્દોષ વાહન ચાલકો પર ગુંડાગીરી આચરવામાં આવે છે એ નિર્વિવાદિત છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્ય બહારથી આવતા નાગરિકો સ્થાનિક પોલીસ ની મુક્ત પ્રેક્ષક બની જવાની નીતિ સામે સવાલો કરી રહ્યા છે. આ સવાલોના જવાબો પોલીસે આપવા જોઈએ અને કડક દાખલો બેસાડવો જોઈએ જેથી ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકે.