દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનું જોર સતત વધવા પામ્યું છે ગઈકાલે ઠંડીમાં ઠુઠવાયેલા એક ભિક્ષુકનું મૃત્યુ નીપજ્યું છે. બસ સ્ટેન્ડ સામે જાહેરમાંથી વૃદ્ધનો મુદ્દો મળી આવ્યો છે. જોકે, પોલીસ દફતરમાં અજાણ્યા મૃતકના કારણ સંદર્ભમાં ઠંડી અને બીમારીનું કારણ જાહેર થયુ છે.

નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં રાજ્યભરમાં ઠંડીએ ચમકારો બતાવ્યો છે, ત્યારે છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્ર સહિતના જિલ્લાઓમાં ઠંડીએ જોર પકડ્યું છે, દિવસેને દિવસે સતત વધતા જતા ઠંડીના પ્રમાણ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વડા મથકે ઠંડીના કારણે મૃત્યુ થયાનો પ્રથમ બનાવ સામે આવ્યો છે. શહેરના બસ સ્ટેન્ડ સામે આવેલા જાહેર માર્ગ પરથી 55 થી 60 વર્ષના એક ભિક્ષુકનો મૃતદેહ મળી આવ્યો છે. આ વૃદ્ધનું મૃત્યુ ઠંડી અને બીમારીથી હોવાનું પોલીસમાં જાહેર થયું છે ત્યારે વધી રહેલ ઠંડીના પ્રમાણને લઈને જનજીવન પર વ્યાપક અસર જન્માવી છે. આગામી સમયમાં જાન્યુઆરી માસના ગાળા દરમિયાન કડકડતી ઠંડી પડવાના એંધાણ હવામાન ખાતાએ વ્યક્ત કર્યા છે.