જામનગર: ખંભાલીયામાં જે જાય અને ચા પીવાની ઈચ્છા થાય તો ‘ભગા’ની હોટેલ પ્રથમ પસંદગી હોય છે. રાત હોય કે દિવસ હોય ભગાની હોટેલ પર ચા રશીકોની ભીડ હમેશા લાગેલી જ જોવા મળે છે, આવી જ ભીડનો લાભ લઈ ભગાની હોટેલમાંથી કોઈ ચોર કબાટમાં રાખેલ સવા ત્રણ લાખ રૂપિયા ઉપરાંતની રકમ ચોરી કરી ગયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે કબાટ ખોલાયો એ અસલી ચાવી વડે જ ખોલાયો છે. જેને લઈને હોટેલના કોઈ જાણકાર સખ્સ સામે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખંભાલીયામાં વિજય સિનેમા પાસે ભગાભાઈ નામે ચાની હોટેલમાં ચોરી થવા પામી છે. શહેરના વંડાફળી વિસ્તારમાં રહેતા અને હોટેલ ચલાવતા દીપકભાઈ ગોવિંદભાઈ જોશીએ ચોરી અંગે ખંભાલીયા પોલીસ દફતરમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં ગત તા. ૫/૨/૨૦૨ના રોજ રાત્રે આઠ વાગ્યાથી તા. ૧૬/૨/૨૦૨૪ના દસ દિવસના ગાળા દરમિયાન હોટેલમાંથી 3.૩૦ લાખની રોકડની ચોરી થવા પામી હોવાનું જાહેર કર્યું છે. સવારથી મોડી રાત બે વાગ્યા સુધી હોટેલ ચલાવતા દીપકભાઈ હોટેલ અંદર એક રૂમ આવેલ છે એ રૂમમાં ચા, ખાંડ અને અન્ય ચીજ વસ્તુઓ રાખતા હતા. આ રૂમમાં એક કબાટ પણ રાખેલ છે જેમાં દીપકભાઈ પોતાના ધંધાનો હિસાબ રોકડ રૂપે રાખતા હતા. ૨૪ માંથી ૨૧ કલાક હોટેલ ચાલુ રાખતા દીપકભાઈએ ગત તા. ૫/૨/૨૦૨૪ના રોજ હિસાબ રૂપે રૂપિયા 3,૩૦,૦૦૦ની રોકડ કબાટના ખાનામાં રાખી બંધ કર્યો હતો. દરમિયાન ચા, ખાંડ અને દૂધ સહિતના રૂપિયા ચુકવવા માટે રૂપિયાની જરૂર પડતા દીપકભાઈએ કબાટ ખોલયો ત્યાં રૂપિયાની ચોરી થઇ ગઈ હોવાનું સામે આવ્યું હતું.
છેલા દસ દિવસના ગાળા દરમિયાન કોઈ સખ્સ આ રૂપિયાની ચોરી કરી ગયો હોવાની હોટેલ માલિકે ખંભાલીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જો કે કબાટ ચાવી થી જ ખોલાયો હોવાથી હોટેલના જ કોઈ સ્ટાફ સામે પ્રથમ દ્રષ્ટિએ શંકા જતાવી પોલીસે તપાસ હાથ ધરી છે.