જામનગર : જીલ્લાના જામજોધપુર પંથકના લુવારસર ગામે વાડી વિસ્તારમાં એક વાડીએ માતા-પુત્રી પર દીવાલ યમ બની ખાબકતા ઘટેલી ઘટનામાં માતાનું મૃત્યુ નીપજ્યું છે જયારે પુત્રીને ગંભીર હાલતમાં જામનગરમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.
કમકમાટી ઉપજાવનારી ઘટનાની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના લુવારસર ગામે એક મુસ્લિમ પરિવાર પર આભ ત્યારે તૂટી પડ્યું જયારે વાડીએ દીવાલ ધરાસાઈ થઇ, અહીના ઓસમાણભાઈ નુરમામદભાઈ ખુરેશીના પત્ની અમીનાબેન અને તેની પુત્રી ગત તા. ૫મીના રોજ સવારે અગ્યારેક વાગ્યે પોતાની વાડી હતા ત્યારે અમીનાબેન ઉવ ૫૫ વાળાઓ પોતાના બળદોને બાંધવા ગમાણ તરફ જતા હતા ત્યારે એકાએક બાજુમાં આવેલ દીવાલ ધરાસય થઇ અમીનાબેન અને બાજુમાં જ રહેલ તેઓની પુત્રી પર પડી હતી. જેમાં બંને દબાઈ જતા વાડી વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
આ ઘટનાને પગલે એકત્ર થયેલ પરિવાર અને આજુબાજુના લોકોએ તાત્કાલિક દીવાલનો કાટમાળ દુર કરી માતા-પુત્રીને બહાર કાઢ્યા હતા. જેમાં અમીનાબેનને માથા સહિતના ભાગે તેમજ પુત્રીને પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા બંનેને તાત્કાલિક જામનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગઈ કાલે સાંજે સાતેક વાગ્યે માતા અમીનાબેનનું મૃત્યુ નીપજ્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જયારે પુત્રીને હજુ સારવાર હેઠળ રાખવામાં આવી છે.
નોંધ : ફોટો પ્રતિકાત્મક છે.