કલ્યાણપુર : ઘાસ વાઢતી પત્નીને ફોન કરી પતિએ કહ્યું મેં ખોડીયાર મંદિરે ઝેરી ટીકડા ખાઈ લીધા છે અને….

0
811

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે ખેતી કામ કરતા એક ખેડૂતે વિદેશમાં રહેતા ખેડૂત, તેની પત્ની અને અન્ય એક સખ્સના  ત્રાસથી આપઘાત કરી લીધાનો બનાવ સામે આવતા મેર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવાન પુત્રી અને નાના પુત્ર સહીત બે સંતાનોના પિતાના આપઘાત પાછળ યુકે રહેતા વાડીમાલિક અને તેની પત્ની સામે પોલીસે ભાગીયાને મરવા મજબુર કર્યા હોવાની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આવો છે કરુણ બનાવ…..

કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે રહેતા સામતભાઈ નાગાભાઈ મોઢવાડિયા ઉવ ૩૯ નામના ખેત મજુરી કરતા યુવાને સીમ વિસ્તારમાં આવેલ ખોડીયાર માતાના મંદિરે દિવાળીના દિવસે જ બપોરે ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરવાનો  પ્રયાસ કર્યો હતો. દરમિયાન પરિવારજનોએ સામતભાઈને પોરબંદર ખસેડી બચાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ ટૂંકી  સારવાર બાદ જ સામતભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ઘરના મોભીના મૃત્યુને પગલે પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

પતિએ ફોન કરી જાણ કરી કે મેં ઝેરી ટીકડા ખાઈ લીધા…

દિવાળીના દિવસે બપોરે એકાદ વાગ્યે સુમરીબેન વાડીએ ખડ વાઢતા હતા ત્યારે તેનો પુત્ર હિરેન  ફોન લઇને આવ્યો અને પાપાનો ફોન છે એમ કહ્યું હતું. સુમરીબેને ફોન લેતા જ સામેથી તેના પતિનો  અવાજ આવ્યો હતો, જેના અંતિમ શબ્દો હતી કે મેં મારું કામ કરી લીધું છે. મેં ખોડીયાર મંદિરે ઝેરી ટીકડા ખાઈ  લીધા છે..આવા શબ્દો સાંભળતા જ સુમરીબેન સ્તબ્ધ થઇ ગયા અને તાક્તાલીક ખોડીયાર મંદિરની વાટ પકડી.

પત્નીએ પરિવાર સાથે મળી પતિને બચાવવા અંતિમ પ્રયાસો કર્યા…

પતિએ ફોન કરી જાણ કરતા જ પત્ની સુમરીબેન પુત્ર સાથે ખોડીયાર મંદિર પહોચી હતી. ત્યારબાદ પોતાના જેઠની મદદથી  તેણીએ તુરંત ગામમાંમાંથી  ખાનગી વાહન મંગાવી પતિને પોરબંદર સારવાર માટે ખસેડવા આગળ વધી હતી. રસ્તામાં સામતભાઈને ૧૦૮માં તબદીલ કરવામાં આવ્યા, ત્યારબાદ તેઓને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં ટૂંકી  સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

૧૮ વર્ષીય પુત્રી અને નાના પુત્રએ પિતાની  છત્રછાયા ગુમાવી

મૃતક સામતભાઈ પોતે બે સંતાનો સહિતના પરિવારની ગુજરાન ચલાવવા ખેતી ભાગે રાખી મહેનત કરતા હતા. મૃતકને સંતાનમાં સૌથી મોટી ૧૮ વર્ષની ભૂમિ હાલ પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુળમાં રહી ધોરણ બારમા અભ્યાસ કરે છે. જયારે નાનો પુત્ર હિરેન ઉવ ૧૪ રાણાવાવ ખાતે ભાવના સ્કુલ ખાતે અમ્ભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. એકાએક પિતાના મૃત્યુથી  બંને સંતાન અવાચક થઇ ગયા છે.

કેમ ત્રાસ આપ્યો ? કેવો ત્રાસ આપ્યો ?

મૃતક સામતભાઈ ચંદ્રાવાડા ગામે રહી અહીના ખેડૂત ભીખુ રામદે મોઢવાડીયાની ખેતીની જમીન ભાગેથી વાવે છે. ભીખુભાઈ હાલ યુકે રહે છે જયારે તેમના પત્ની અહીં રહે છે. ચાર માસથી સામતભાઈએ વાડી ભાગથી વાવવા રાખી છે. હાલ પાક તૈયાર થઇ ગયો ત્યાં યુકેથી ભીખુભાઈનો ત્રાસ ચાલુ થયો, વિદેશથી ખેત માલિક અને અહીથી તેની પત્નીનો  ત્રાસ શરુ  થતા સામતભાઈ સૂડી વચ્ચે સોપારી બની ગયા હતા. ભીખુભાઈની પત્ની અવારનવાર વાડીએ પહોચી સામતભાઈને ધમકાવી ચાલ્યા જવાનું કહેતી હતી. તો ભીખુભાઈ સમયાન્તરે ફોન દ્વારા ધમકીઓનો આપતો હતો.  

પરદેશથી પતિનો અને વાડીએ પત્નીનો ત્રાસ

મૂળ ચંદ્રાવાડા ગામના અને હાલ બ્રિટનમાં રહેતા ભીખુભાઈ રામદેભાઈ મોઢવાડિયાએ મૃતક સામતભાઈને જમીન વાવવા આપ્યા બાદ પાક તૈયાર થઇ જતા ધમકીઓ  આપવાની શરુ કરી હતી. તા. ૩/૧૧, ૯/૧૧ અને ૧૧/૧૧/૨૦૨૦ના રોજ ફોન કરી ભીખુભાઈએ સામતભાઈને ધમકાવ્યા હતા. આરોપીએ  +૪૪૭૪૦૫૭૩૧૭૪૬ નંબર પરથી યુકેથી ફોન કરી સામતભાઈને ધાક ધંમકી આપી જાનથી મારી નાખવાની ધંમકીઓ આપી હતી. અવાર નવાર આપી માનસીક ત્રાસ આપતા તેમજ તેમની  પત્નીએ અવાર-નવાર વાડીએ આવી ગાળો આપી, ધંમકીઓ આપી માનસીક ત્રાસ આપ્યો હતો.

શા માટે આપી ધમકીઓ ? કારણ છે આવું….

છેલ્લા એક પખવાડીયામાં અનેક વખત ફોન કરીને આરોપી વાડીમાલિકે સામતભાઈને ધમકીઓ  આપી હતી. પોતાની વાડી ખાલી કરી નાખવા તેમજ વાવેતર ન કરવા તથા મગફળી ઉપાડવા ગયો તો તને જાનથી મારી નાખીશ તેમ ફોન ઉપર સતત ધમકીઓ આપી આરોપીએ માનસીક ત્રાસ આપી બીભત્સ વાણીવિલાસ આચર્યો હતો. જો  વાડી ખાલી થઇ જશે તો પરિવારનું ગુજરાન કઈ રીતે થશે ?  કદાચ આવા ખયાલથી ખેડૂતે આપઘાત કર્યો  હોવાનું અનુમાન  લગાવવામાં આવી રહ્યું છે.

શું  લખ્યું છે સુસાઈડ નોટમાં ?

આપઘાતનો  પ્રયાસ કરતા પૂર્વે સામતભાઈએ સુસાઈડ નોટ પણ લખી હોવાનું જાણવા મળ્યું છે. આ મરણનોંધ પત્ની સુમરીબેને પોલીસને આપી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ખેતી માલિક ભીખુ રામદે મોધાવાડીયા, તેની  પત્ની ગીતાબેન અને જુનાગઢના ભરત કડછાના નામનો ઉલ્લેખ કરાયો હોવાનું અને આ ત્રણેયના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું લખ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે સુસાઈડ નોટમાં અન્ય કઈ કઈ વિગતો છે ? તે જાણવા મળ્યું નથી. આ ઉપરાંત આરોપી ખેડૂતે યુકેથી વોટ્સએપમાં વોઇસ મેસેજ પણ કરી ધમકીઓ આપી હોવાનું એ પણ પુરાવા રૂપે લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

મરવા મજબુર કર્યા અંગેની ફરિયાદ

આ બનાવ અંગે મૃતક સામતભાઈની પત્નીએ દંપતી અને જુનાગઢના સખ્સ સામે મૃતકને ત્રાસ આપી મરવા મજબુર કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ સામે ૩૦૬,૫૦૪,૫૦૬(૨),૫૦૭,૧૧૪ મુજબ ફરિયાદ નોંધી છે  જેમાં ત્રણેય આરોપીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે હાલ આરોપી મહિલા અને જુનાગઢના સખ્સ સુધી પહોચવા ચક્રોગતિમાન કર્યા છે. આ બનાવે મેર સમાજ અને દ્વારકા તેમજ પોરબંદર જીલ્લામાં ભારે ચકચાર જગાવી છે.

NO COMMENTS