જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકા મથકે વૃધ્ધાની બોથડ પદાર્થના ઘા ફટકારી કરપીણ હત્યા નીપજાવવામાં આવતા સનસનાટી મચી જવા પામી હતી. બે પુત્રો બહારગામ સેટ થઇ ગયા બાદ વૃદ્ધ દંપતી ભાડાના મકાનમાં રહે છે. સાંજે કરિયાણું લેવા બજારમાં નીકળ્યા બાદ મૃતક પરત ફર્યા હતા જયારે પતિ બજાર રોકાયા હતા. જે પરત ઘરે આવતા ચોરી કરવા ઘરમાં ઘુસેલ સખ્સ અને બહાર ધ્યાન રાખતા સખ્સે વૃદ્ધ મહિલાની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. ઘર સામે અવાવરું જગ્યામાં દારૂ પીતા આરોપીઓને નાં પાડતા, એક આરોપીને વૃધ્ધાએ આપેલ દસ હજારની ઉછીતી રકમ અને ચોરી કરવા મૃતકના ઘરને નિશાન બનાવવા સહિતની બાબતો વૃધ્ધાના મોતનું કારણ બની હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને સખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કલ્યાણપુર તાલુકા મથક હનુમાન ચોક ખાતે કુંભાર વાડી પાછળ રહેતા ભાડાના મકાનમાં રહેતા જયાબેન જટાશંકરભાઈ ભોગાયતા નામના વૃદ્ધ મહિલા ઘરેથી ગુમ થઇ જતા વૃદ્ધ પતિ સહિતનાઓએ શોધખોળ શરુ કરી હતી જેમાં પત્ની જયાબેનનો મૃતદેહ તેના મકાનની સામે આવેલ એક અવાવરું મકાનમાંથી માથાના ભાગે ગંભીર ઈજાઓ પામેલ હાલતમાં મળી આવ્યો હતો. મૃતક મહિલા અને તેના પતિ સાંજે સાડા ચારેક વાગ્યે પોતાના ઘરેથી સાથે જ કરિયાણું લેવા ગયા હતા. દરમિયાન વૃદ્ધ બજાર રોકાઈ ગયા જયારે મહિલા પરત ઘરે ફર્યા હતા. દરમિયાન સાડા પાંચેક વાગ્યે ઘરે ગયેલ વૃદ્ધને પત્ની જયાબેન નજરે નહીપડતા શોધખોળ કરવામાં આવી હતી. મૃતકના એક પુત્ર જામનગર અને અન્ય પુત્ર સેલવાસમાં સ્થાઈ થયા છે અહી બંને એકલા જ ભાડાના મકાનમાં રહેતા હતા. પોલીસે અજાણ્યા સખ્સોની સામે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓના સગળ મેળવવા તપાસ હાથ ધરી હતી.
જેમાં ઘટના સ્થળે દારૂ જેવી અસામાજિક પ્રવૃતીઓએ કરતા અમુક સખ્સોને મહિલાએ તાજેતરમાં નાં પાડી હાકી કાઢ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ સખ્સો સામે શંકા ઉચ્ચારી શોધખોળ શરુ કરી હતી. જેમાં મૂળ ઉતરપ્રદેશના અને હાલ કલ્યાણપુર રહેતા સોનું બ્રિજેશસિંગ રાજપૂત અને માલો ઉર્ફે માયકલ ખીમા રાઠોડ નામના સખ્સને આતરી લઇ પૂછરપછ કરવામાં આવી હતી. જેમાં આ સખ્સો અન્ય સખ્સોની સાથે તાજેતરમાં ઘટના સ્થળે દારૂ પીવા એકત્ર થતા વૃદધાએ નાં પાડી હતી. આ ઉપરાંત આરોપી સોનુંએ વૃદ્ધ પાસેથી ઉછીતા લીધેલા રૂપિયા દસ હજારની પણ ઉઘરાણી તથા બહાર ગયેલ વૃદ્ધાના ઘરમાં ચોરી કરવા ઘુસેલ સોનુને વૃદ્ધાએ રંગે હાથ પકડી લેતા સોનું તથા બહાર ધ્યાન રાખતા માયકલે વૃધ્ધા પર પથ્થર નો ઘા ફટકારી પછાડી દઈ અવાવરું મકાનમાં લઇ ગયા હતા. જ્યાં પથ્થરના ઉપરાઉપરી ઘા ફટકારી બંનેએ વૃદ્ધધાની હત્યા નીપજાવી હોવાનું કબુલ્યું છે. પોલીસે બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
આ કામગીરી એસપી સુનીલ જોશી, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જે એમ ચાવડા અને સીપીઆઈ પીબી ગઢવી તથા એસઓજીના પીઆઈ એડી પરમાર, સાયબર સેલના પીએસઆઈ પીસી સિંગરખીયા, કલ્યાપુર પીએસઆઈ એફબી ગગનીયા, પીએસઆઈ જોશી સહિતના સ્ટાફે પાર પાડી હતી.