દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામે એક યુવાન પર બંધુઓ સહીત ત્રણ સખ્સોએ હુમલો કરી માર મારી ઈજા પહોચાડ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કાવતરું રચીને આવેલ સખ્સોએ યુવાનની ઇકો સાથે બોલેરો અથડાવી, માર મારી ગંભીર ઈજા પહોચાડી હતી. યુવાનને ત્રણ પૈકીના એક આરોપીની પત્ની સાથે આડા સબંધ હોવાની શંકા રાખી હુમલો કરાયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
કલ્યાણપુર તાલુકાના મથકથી ૧૯ કિમી દુર આવેલ ગાંગડી ગામે ગત સપ્તાહે મારામારી થઈ હતી. આ બનાવ અંગે ડ્રાવીંગ કરતા યુવાન રમેશગર ખીમગર મેઘનાથીએ પોતાના જ કૌટુંબિક સભ્યો હસમુખગર જેરામગર મેઘનાથી તથા ધવલ અરજણગર મેઘનાથી અને ગૌરવગર અરજણગર મેઘનાથી સામે ફરિયાદ નોંધાવી હતી.
ત્રણેય આરોપીઓએ એક સાથે મળી યુવાનને માર મારવાનું કાવતરું રચી, ગત તા. ૧૪મીના રોજ ગાંગડી ગામના પાટિયાથી ગામ તરફ જતા રોડ પર સાંજે સાડા છ્યેક વાગ્યે બોલેરો પીક-અપ ગાડીને પુર ઝડપે ચલાવી, યુવાનની ઇકો સાથે અથડાવી, રમેશગરને આંતરી લીધો હતો. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ વાણી વિલાસ આચરી, ઉસ્કેરાઈ જઈ, લોખંડના પાઈપ લોખંડ અને કુહાડી વડે હુમલો કરી યુવાનને આડેધડ માર માર્યો હતો અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી હતી. દરમિયાન હોસ્પિટલ ખસેડાયેલ યુવાનને અગ્યાર ટાકા લઇ તબીબોએ માથામાં સારવાર કરી હતી. આ ઉપરાંત બન્ને પગના ગોઠણ પાસે તેમજ જમણા હાથની કોણી પાસે ગંભીર ફેકચર સહિતની ઈજાઓ પહોચતા યુવાનને સારવાર અપાઈ હતી.
આડેધડ માર મારી ત્રણેય સખ્સોએ યુવાનને ગાંગડી ગામમા નહી આવવાની અને ફરી થી આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાં આરોપી હસમુખગર જેરામગર મેઘનાથીને એવી શંકા હતી કે રમેશગરને તેની સાથે અનૈતિક સબંધ છે. આ સંબંધની શંકાથી અન્ય બે ભાઈઓને સાથે રાખી હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવે કલ્યાણપુર પંથકમાં ભારે ચકચાર સાથે ચર્ચાઓ જગાવી છે.