જામનગર: દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના વીરપર ગામે લીઝ ધારકે લીઝ વિસ્તાર બહાર ખોદકામ કરી-કરાવી જમીન ધારક સાથે મળી દસ લાખની બોક્સાઈટ નિકાસ કરી દઈ સરકારને દસ લાખનો ચૂનો ચોપડી દીધો હોવાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ દફતરમાં નોંધાવવામાં આવી છે.

આ પ્રકરણની કલ્યાણપુર પોલીસમાં નોંધાયેલ ફરિયાદની વિગત મુજબ, વિરપર ગામે આવેલ રમણીક મુળજીભાઇ થાનકી લીઝના ધારક તથા સંચાલનકર્તા દ્વારા પોતાની મંજુર-કરારખત થયેલ લીઝનો બોક્સાઇટ ખનીજનો જથ્થો ન હોવા છતા લીઝ બહારના વિસ્તારમાંથી બોક્સાઇટ ખનીજનું ઉત્ખન્ન કરી, તેઓની લીઝના ઓનલાઇન રોયલ્ટી પાસ ખોટી રીતે ઇસ્યુ કરી, રોયલ્ટીનો દુર-ઉપયોગ કરી-કરાવડાવી જમીન માલિક જગાભાઇ પીઠાભાઇ કાંબરીયા તેમજ વાહન માલીક ભરતભાઇ વજશીભાઇ ગોજીયા તથા તેઓની સાથે સંકળાયેલ ભાવેશભાઇ પીઠાભાઇ કાંબરીયા દ્વારા બોક્સાઇટ ખનીજનો બિન અધિકૃત રીતે નિકાસ કરવામાં આવ્યો હતો.

અને સ્ટોક રજીસ્ટ્રેશન વિસ્તાર વેલબક્ષ માઇનટેક કીલન યુનીટ ખાતે લઈ જવા ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ડમ્પરમાં ભરેલ બોક્સાઇટ ખનીજ માટે રોયલ્ટી પાસ ન હોવા છતા તે રોયલ્ટીનો ખરા તરીકે ઉપયોગ કરી, ખોટી રીતે ઇસ્યુ કરેલ રોયલ્ટી પાસથી ખનન તથા પરીવહનનો અધિકાર ન હોવા છતા રોયલ્ટી પાસનો દુરઉપયોગ કરી લીઝની બહારના બોક્સાઇટ ખનીજનું ખનન તથા વહન કરી-કરાવી કૂલ ૨૩૬.૬૨૪ મેટ્રિક ટન બોક્સાઇટનો જથ્થો નિયમોનુસાર કૂલ રૂ.૧૦,૩૧,૩૨૧ (અંકે રૂપિયા દશ લાખ એકત્રીસ હજાર ત્રણસો એકવીસ રૂપીયા પુરા) નો બોકસાઈટ ખનીજનુ પોતાના આર્થિક ફાયદા સારૂ પૂર્વયોજિત કાવતરૂ રચી, ઉપરોક્ત તમામે પોતાનો બદ ઇરાદો પુરો પાડવા સારૂ બોક્સાઇટ ખનીજના જથ્થાનુ વહન કરી સરકારની રોયલ્ટી બાબતે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી લીઝની બહારના વિસ્તારમાંથી સરકારની કિંમતી બોક્સાઇટ ખનીજની ચોરી કરી નાણાકીય તીજોરીમાં આર્થિક નુકશાન પહોચાડ્યું હતું. પોલીસે ડમ્પર રજીસ્ટ્રેશન નંબર જીજે.૧૦.ટીવી.૫૪૫૭, જીજે.૩૭.ટી.૬૭૩૮, જીજે.૩૭.ટી.૮૮૩૮ના માલીક ભરતભાઇ વજશીભાઇ ગોજીયા રે.ભાટીયા તા.કલ્યાણપુર, કામનું સંચાલન કરનાર શ્રીભાવેશભાઇ પીઠાભાઇ કાંબરીયા રે.વિરપુર તા.કલ્યાણપુર, ખાનગી માલીકીની જગ્યાના માલીક શ્રીજગાભાઇ પીઠાભાઇ કાંબરીયા, રમણીક મુળજી થાનકી લીઝના ધારક તેમજ રમણીક મુળજી થાકની લીઝ તથા વાલબક્ષ માઇનટેક કિલલના સંચાલન કરતા સબંધિત વ્યકિત તથા તપાસમાં નીકળે તે વિગેરે સામે બોકસાઇટ કૌભાંડ આચરવા સબંધિત ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.