કાલાવડ : ખરીદી કરવા નીકળેલ બાઈક સવાર બે પ્રૌઢને નડ્યો અકસ્માત, બંનેના મોતથી અરેરાટી

0
596

જામનગર : જામનગર જીલ્લામાં વધુ એક જીવલેણ અકસ્માત થયો છે. કાલાવડ પંથકમાં આજે સવારે પુર ઝડપે દોડતી એક કારે ઠોકર મારતા મોટરસાયકલ પરથી  ફંગોળાઈ ગયેલ ચાલક અને તેની પાછળ બેઠેલ પ્રૌઢને ગંભીર ઈજાઓ પહોચતા બંનેના મૃત્યુ નીપજ્યા છે. તાલુકાના રીનારી ગામેથી ખરીદી કરવા કાલાવડ નીકળેલ પ્રૌઢએ ફગાસ ગામના પાટિયા પાસેથી અન્ય પ્રૌઢને પાછળ બેસાડ્યા હતા અને બંને કાલાવડ તરફ આવતા હતા ત્યારે કાલાવડથી અઢી કિમી દુર હનુમાન મંદિર પાસેની ગોલાઈએ કારે ઠોકર મારી દીધી હતી.

જામનગર જીલ્લામાં પાંચ દિવસ પૂર્વે કાર પુલ નીચે ખાબકતા બે મહિલાઓના મૃત્યુ નીપજ્યાં હતા જયારે ગઈ કાલે મોરબી પંથકમાં જામનગરના વધુ બે યુવાનોનો માર્ગ અકસ્માતમાં ભોગ લેવાતા શોક છવાયો છે ત્યાં આજે વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં કાલાવડ તાલુકાના રીનારી ગામે રહેતા અમરશીભાઈ નથુભાઈ રાઠોડ ઉવ ૫૫ પોતાનું જીજે ૦૩ બીએસ ૪૭૮૨ નંબરનું મોટરસાયકલ લઇ કાલાવડ ખાતે ખરીદી કરવા નીકળ્યા હતા દરમિયાન રસ્તામાં આવતા ફગાસ ગામના પાટીયેથી ફગાસ ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ મહોબતસિંહ જાડેજા ઉવ ૫૦ને પાછળ બેસાડી પ્રૌઢ કાલાવડ તરફ આગળ વધ્યા હતા. જ્યાં કાલાવડથી અઢી કિમી દુર હનુમાન મંદિર પાસે આવેલ ઓઈલ મિલની સામેની ગોલાઈ પર પુર ઝડપે આવી ચડેલી કારે જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોચતા ધર્મેદ્ન્રસિંહનું ઘટના સ્થળે જ જયારે અમરસીભાઈનું કાલાવડ ખાતે ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક અમરસીભાઈના પીએસસીમાં એકાઉન્ટ તરીકે નોકરી કરતા પુત્ર બાબુભાઈએ અકસ્માત નીપજાવી નાશી ગયેલ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા કાલાવડ પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here