જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં એક રહેણાંક મકાનમાં રૂપિયા પોણા બે લાખની રોકડ રકમ ની ચોરી ના બનાવની પોલીસ હજુ તપાસ કરી રહી છે, ત્યાં એક ગોડાઉનમાંથી ધોળે દહાડે તમાકુના ડબલા- પેકેટો સહિત રૂપિયા ૬૨,૩૨૮ ની માલમતા ની ચોરી થઈ ગયાની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. સીસીટીવી કેમેરામાં બે તસ્કરો કેદ થયા હોવાથી પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે.
ચોરી ના આ બનાવની વિગત એવી છે કે મૂળ રાજકોટમાં રહેતા અને કાલાવડમાં કુંભનાથ પરા વિસ્તારમાં રહેણાંક મકાન અને ગોદામ ધરાવતા નિકુંજભાઈ પ્રફુલભાઈ છાંટબાર નામના વેપારીએ પોતાના રહેણાંક મકાન અને ગોદામમાંથી ગઈકાલે સાંજના પાંચ વાગ્યાને ૨૦ મિનિટથી પાંચ વાગ્યા ને ૪૫ મિનિટ સુધી ના ૨૫ મીનિટ ના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરો તમાકુના ડબલા, પેકેટ સહિત ૬૨,૩૨૮ ની માલમતા ચોરી કરી ગયા ની ફરિયાદ કાલાવડ પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઘોડે દહાડે બે તસ્કરો ગોદામમાં ત્રાટક્યા હતા, અને ગોદામમાં રાખવામાં આવેલા જુદા જુદા કંપનીના તમાકુના ડબલા, પેકેટ સહિતની સામગ્રી એકત્ર કરીને બે તસ્કરો એક બાઈકમાં ભાગી છુટ્યા હતા, જે બંને સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.
ચોરીના આ બનાવની જાણ થતાં કાલાવડ ટાઉનના પી.આઇ. વી.એસ. પટેલ તેમજ સ્ટાફના મયુરસિંહ જાડેજા, સુરપાલસિંહ જાડેજા, વાસુદેવસિંહ જાડેજા વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને સીસીટીવી કેમેરા ના ફૂટેજ મેળવીને તસ્કરોને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે.