જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામના ખેડૂત પિતા-પુત્ર પાસે બે શખ્સોએ રૂપિયા ૧૫ લાખની ખંડણી માંગતાં બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખેડૂતને જમીનના વેચાણના ચાર કરોડ રૂપિયા આવ્યા હોવાની બંનેને જાણકારી મળી હોવાથી ખંડણી માગી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે. જે બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ધીરુભાઈ હરજીભાઈ જેસડીયા નામના ૫૫ વર્ષના ખેડૂતે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં પોતાને તથા પોતાના પુત્ર જયને ટેલીફોન ઉપર તેમજ ઘર પાસે આવીને ધાક ધમકી આપ્યાની અને રૂપિયા ૧૫ લાખની ખંડણી માંગ્યા અંગેની ફરિયાદ પોતાના જ ગામના વિશાલ કારાભાઈ રાખસિયા તેમજ પીઠડીયા ગામના દિનેશભાઈ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં બંને સખ્સો રૂપિયા માંગી ધાક ધમકીઓ આપતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. આ ફરિયાદના આધારે સ્થાનિક ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ખેડુતે ધીરુભાઈએ પોતાની ખેતીની જમીન આજથી એકાદ વર્ષ પહેલા રાજકોટના એક વ્યક્તિને વેચાણથી આપી હતી, જેના વેચાણની અંદાજે ૪ કરોડ રૂપિયા જેવી રકમ આવી હતી. જે રકમ મળી હોવાની જાણકારી ઉપરોક્ત બંને આરોપીઓને થઈ જતાં અગાઉ ટેલિફોન મારફતે ધમકી આપી ૧૫ લાખ ખંડણી પેટે આપવા પડશે, તેવી માંગણી કરાઈ હતી. જે માંગણી નહીં સ્વીકારતાં બંને આરોપીઓ ઘરે આવીને દરવાજામાં લાતો મારી પૈસાની માંગણી કરતા હોવાથી આખરે મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો છે. જેથી કાલાવડ ગ્રામ્ય પોલીસે બંને આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૮૫,૨૯૪-ખ, ૫૦૬-૧ અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. જે બંને આરોપીઓ હાલ ભાગી છૂટયા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે. કાલાવડ તાલુકાના નાના એવા આણંદપર ગામમાં આ ફરિયાદના બનાવે ભારે ચકચાર જગાવી છે.
એકાદ વર્ષ પૂર્વે કાલાવડના આજ ગામના ખેડૂતે પોતાની જમીન વેંચી હતી ત્યારે જે દોઢેક કરોડની રોકડ રકમ પોતાના ઘરમાં રાખી પરિવાર સાથે બહારગામ ગયા હતા. પાછળથી 90 લાખ ઉપરાંત રકમની ચોરી થવા પામી હતી. આ રકમ દુકાન ધરાવતા સખ્સે ચોરી કરી હોવાનું સામે આવ્અયું હતું. અને પોલીસે તાત્કાલિક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો