જામનગર : જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામે ગઈ કાલે અરેરાટી ભરી ઘટના ઘટી હતી. જેમાં છેક અન્ય જીલ્લામાંથી અહીં મજુરી કામ કરવા આવે શ્રમિક પરિવારના બે સગા ભાઈ બહેન સહીત ત્રણ બાળકોના તળાવના ખાડામાં દુબી જતા મૃત્યુ નીપજ્યા છે. આ બનાવના પગલે શ્રમિક પરિવાર પર આભ ફાટી પડ્યું છે.
કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામે સર્જાયેલી કરુણાંતિકાની વિગત મુજબ, તાલુકા મથકથી છેક ૪૦ કિમી દુર આવેલ કાલમેઘડા ગામે રહેતા હિતેન્દ્રસિંહની વાડીએ અન્ય જીલ્લામાંથી છેક અહી પેટનો ખાડો પૂરવા માટે શ્રમિક પરિવાર અહી આવ્યા હતા. અહી સ્થાનિક ખેડૂતોની વાડીમાં મજુરી કામ કરી આ પરિવાર પોતાનું ભરણપોષણ કરતો હતો. ગઈ કાલે પરિવારના મોભીઓ જયારે ખેતી કામમાં વ્યસ્ત હતા ત્યારે આ પરિવારોના દિલીપભાઈ ઠાકોરના દસ વર્ષીય પુત્ર રાહુલ અને પાંચ વર્ષીય પુત્રી કિરણબેન તેમજ બાજુમાં આવેલ મુસ્તાકભાઈની વાડીમાં મજુરી કામ કરતા શૈલેશભાઈ ઠાકોરની પાંચ વર્ષીય પુત્રી રિયા, આ ત્રણેય સાથે મળી ખેતરે રમતા રમતા ખેતરની બાજુમાં આવેલ નાના તળાવ જેવા ખાડા પાસે ગયા હતા અને અકસ્માતે ત્રણેય આ ખાડામાં પડી ગયા હતા અને જોત જોતામાં ત્રણેય ડૂબી ગયા હતા. આ ઘટનાંને પગલે હાહો થઇ હતા ખેત મજુરી કરતા પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા જો કે પાણીમાંથી ત્રણેયને બહાર કાઢી દવાખાને લઇ જવાય તે પૂર્વે જ ત્રણેય માસુમો હમેશા હંમેશના માટે પોઢી ગયા હતા. આ બનાવના પગલે શ્રમિક પરિવાર પર આભ ફાટી પડ્યો હોય તેવો ગમગીનીભર્યો માહોલ સર્જાયો હતો. ત્રણેય બાળકોની માતા-પિતા સહિતનાઓના રુદનથી વાતાવરણ વધારે કરુણ બન્યું હતું. પોલીસે હોસ્પિટલ પહોચી ત્રણેય મૃતદેહો કબજે કરી પીએમ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે.