કાલાવડ : જામનગર જીલ્લાના કાલાવડ પંથકમાં બાળકો પર ઘાત બેઠી હોય એવો બીહામણો માહોલ રચાયો છે. તાલુકાના નિકાવા ગામે શ્રમિક પરિવાર ખેત મજુરી કરી રહ્યો હતો ત્યારે રમતા રમતા બે બાળકો મકાન પાછળ ભરાયેલ પાણીમાં પડી ડૂબી ગયા હતા. આ બનાવના પગલે શ્રમિક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કાલાવડ પંથકમાં બાળકો પર જાણે ઘાત ચાલી રહી હોય તેમ વરસાદી પાણીએ વધુ બે બાળકોનો ભોગ લઇ લેતા ગમગીનીનો માહોલ બેવડાયો છે. નિકાવા ગામથી નાના વડાળા ગામ તરફ જતા વાડી વિસ્તારમાં મજુરી કામ કરતા પરિવારના બે બાળકો ગઈ કાલે બપોર બાદ સાડા ચારેક વાગ્યે મકાન પાછળ રમતા હતા. રાધાબેન તળશીભાઇ બાધુભાઇ મદારીયા ઉવ ૧૦ અને શન્નીભાઇ દેવાભાઇ બચુભાઇ ચારોલીયા ઉવ ૬ રે બન્ને નીકાવા ગામ તા કાલાવડ જી જામનગર વાળા મકાન પાછળના ભાગે રમતા આ બંને બાળકો રમતા રમતા પાણીના ખાડામાં પડી ગયા હતા અને પળવારમાં જ બંને ડૂબી ગયા હતા. ખેતીકામ કરી ઘરે આવેલ પરિવારના બાળકો નહિ મળતા શોધખોળ કરી હતી જેમાં મકાન પાછળના પાણીમાંથી બંને બાળકોના ડૂબેલી હાલતમાં મળી આવ્યા હતા. એક સાથે બંનેના મૃત્યુ નીપજતા શ્રમિક પરિવારમાં સોકાતુર બન્યો હતો. કાલાવડ ગ્રામ્ય પોલીસે સ્થળ પર પહોચી બંને બાળકોના મૃતદેહ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગત શનિવારે કાલમેઘડા ગામે ત્રણ બાળકો ખેત તલાવડીમાં ડૂબી ગયા હતા, જયારે આ જ ગામમાં રવિવારે પુર પરથી બાઈક તણાઈ જતા બે સગા-ભાઈ બેનના મૃત્યુ નીપજ્યા હતા. આ પાંચ બાળકોના મૃત્યુનો શોક હજુ હાથાવત છે ત્યાં સોમવારે વધુ એક ઘટના સામે અરેરાટી બેવડાઈ છે.