જામનગર મહાનગરપાલિકાની રવિવારે કોરોના કહેર વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં 53 ટકાથી વધુ મતદારોએ પોતાનો જનાદેશ ઇવીએમ વોટીંગ મશીનમાં કેદ કર્યો હતો. આજે હરિયા કોલેજ ખાતે હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં ભાજપએ ફરી સત્તા તરફ પ્રયાણ કર્યું છે. બપોરે 3 વાગ્યાની સ્થિતિએ તમામ બેઠકો બેઠકના પરિણામમાં ભાજપ 50 બેઠક જીતી અગ્રેસર રહ્યું છે તો 25 વર્ષથી વિપક્ષની પાટલી શોભાવતા કોંગ્રેસના ફાળે માત્ર 11 અને અન્યના હિસ્સામાં 3 બેઠક ગઇ છે.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું. 2015માં યોજાયેલી ચૂંટણી કરતા આશરે 3.13 ટકા જેટલું ઓછું મતદાન થયું હતું. કોરોનાની બીક, ઉમેદવારોની પસંદગી સામે અસંતોષ કારણભૂત હોવાનું મનાય છે.
વોર્ડ નં.1માં 4 બેઠકમાં કોંગ્રેસમાંથી આવેલા બે પૂર્વ કોર્પોરેટરો અને એક ભૂતપૂર્વ કોર્પોરેટરને ટિકીટ આપી હતી છતાં ભાજપ પેનલ જીતવામાં નિષ્ફળ રહ્યું હતું. આ વોર્ડમાં કોંગે્રસની આખી પેનલ વિજેતા બની હતી. આ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર નુરમામદ ઓસમાણ પલેજાને 2807 મત, કાસમ જોખિયાને 2391, જુબેદાબેન નોતિયારને 2428 જ્યારે સમજુબેન પારિયાને 2252 મત મળ્યા હતાં. આ વોર્ડમાં ભાજપના કમળને કોંગ્રેસના પંજાએ મુઠ્ઠીમાં કચડી નાંખ્યું હતું. ભાજપના ઉમેદવાર મનિષાબેન બાબારિયા, હુશેનાબેન સંઘાર, ઉંમરભાઇ ચમરિયા અને ફિરોઝભાઇ પાતાનીની હાર થઇ હતી.
વોર્ડ નં.2માં ગત્ વખતે ભાજપને 4 માંથી 3 બેઠક મળી હતી. જ્યારે એક બેઠક કોંગ્રેસને મળી હતી. કોંગ્રેસમાંથી આવેલા ભાજપના ઉમેદવાર જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઇ) આ ચૂંટણી જીતી ગયા હતાં. જ્યારે ભાજપના અન્ય ઉમેદવાર ડિમ્પલબેન જગતભાઇ રાવલ, દિશાબેન ભારાઇ અને જશપાલસિંહ જાડેજા પણ જીત્યા હતાં. શહેર કોંગ્રેસના પ્રમુખ વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજા સહિત કોંગ્રેસના ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો.
વોર્ડ નં.3ની વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકાનો આ વોર્ડ સતત ભાજપની પેનલને જીતાડતો રહ્યો છે. આ વખતે માજી મેયર દિનેશભાઇ પટેલ ચાર ટર્મ અને 60 વર્ષથી વધુ વયને લીધે ચૂંટણી લડી શક્યા ન હતાં પરંતુ ભાજપની રણનીતિ ઘડવામાં મદદરૂપ બન્યા હતાં અને સતત સક્રિય હતાં. ભાજપની આગેવાની સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન સુભાષભાઇ જોષીએ લીધી હતી. તેમની સાથે પૂર્વ કોર્પોરેટર અલ્કાબા વિક્રમસિંહ જાડેજા, પન્નાબેન રાજેશભાઇ કટારિયા (મારફતિયા) અને પરાગભાઇ પોપટભાઇ પટેલએ (છેલ્લા બે ઉમેદવારે પ્રથમ વખત ચૂંટણી લડી હતી.) ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી. આ ચારેય ઉમેદવારમાંથી ચારે ઉમેદવાર ચૂંટણી જીત્યા હતાં.
વોર્ડ નં.4ની વાત કરીએ તો અહિં પણ ભાજપ કોંગ્રેસ પર હાવી રહ્યો છે. અહિં ભાજપે સિટીંગ કોર્પોરેટર કેશુભાઇ માડમની આગેવાની નીચે પેનલ ઉતારી દાવ ખેલ્યો હતો. જે દાવ સફળ થયો છે. અહિં પણ પેનલનો ભવ્ય વિજય થયો છે. આશ્ર્ચર્યની વાત એ છે કે, અહિં ગત્ ટર્મમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા રચનાબેન નંદાણિયાએ વર્ષ 2017 માં ભાજપમાં પ્રવેશ ર્ક્યો હતો. જો કે ભાજપ સાથે સારા સારી ન રહેતાં રચનાબેન ફરી કોંગ્રેસમાં જોડાયા હતાં અને અહિંથી જ ચૂંટણી લડ્યા હતાં. આ વખતે મતદારોએ તેઓને વિજય બનાવ્યા છે. જ્યારે કોંગ્રેસના વિરોધપક્ષના નેતા રહી ચુકેલા આનંદ ગોહિલ અહિં ખાસ્સુ પ્રભુત્વ ધરાવતા હતાં પરંતુ મતદારોએ તેઓને પણ જાકારો આપ્યો છે. જ્યારે અન્ય ત્રણ વિજેતા ઉમેદવારો પૂર્વ દંડક જડીબેન સરવૈયા અને પૃથ્વીરાજસિંહ ઝાલા વિજેતા થયા છે.
વોર્ડ.નં.5 પણ ભાજપની પેનલ જીત માટે સોફટ ટાર્ગેટ મનાતો હતો. પરંતુ આ વખતે પૂર્વ ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમુરને 5 ટર્મ થઇ ગઇ હોવાથી ભાજપએ ટિકીટ આપી ન હતી અને તેમના કુટુંબીને ન પણ આપતા તેમણે ભાજપમાંથી રાજીનામુ આપ્યું હતું. કોંગ્રેસમાં ગોઠવણ ન થઇ શકતા આમ આદમી માર્ટીમાંથી ઝંપલાવ્યું હતું. પરિણામે એક બેઠક માટે તેમના અને ભાજપના ઉમેદવાર કિશનભાઇ માડમ અને કોંગ્રેસના ઉમેદવાર રામદેવ ઓડેદરા વચ્ચે અનામત બેઠકનો જંગ હતો. પરંતુ આજે જાહેર થયેલા પરિણામમાં ભાજપના ઉમેદવાર કિશનભાઇ માડમ વિજેતા જાહેર થયા હતા. જયારે અન્ય ત્રણ ઉમેદવારમાં ભાજપના બિનાબેન કોઠારી, આશિષભાઇ જોષી અને સરોજબેન જયંતભાઇ વિરાણીની પણ જીત થઇ હતી. આમ આ વોર્ડમાંથી ભાજપની આખી પેનલ વિજેતા બની હતી.
મળેલા મતની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર આશિષ જોશીને 7521 મત, કિશન માડમને 7093, બિનાબેન કોઠારીને 7045 અને સરોજબેન પટેલને 6664 મત મળ્યા હતાં. જ્યારે આમ આદમી પાર્ટીના કરશન કરમુરને 5435, કમળાબેન ઝાલાને 3456, સોનલબેન ઘેડિયાને 3330 અને જેત્નીભાઇ સાવલિયા 3323 મત મળ્યાં હતાં. કોંગ્રેસના ઉમેદવાર શિતલબેન પંડ્યાને 878, ભાવનાબેન ખેતાણી 779, રામદેવ ઓડેદરાને 683 અને કેતન દોઢિયાને 1242 મત મળ્યા હતાં. આ વોર્ડમાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જનસમર્થન વધુ મળ્યું હતું.
વોર્ડ નં.6માં ભાજપના ગઢમાં હાથીએ પોતાની સૂંઢ ફેરાવી છે અને ત્રણ બેઠક ઉપર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા હતાં. જ્યારે માત્ર એક જ બેઠક ઉપર ભાજપના મહિલા ઉમેદવારની જીત થઇ હતી. બહુજન સમાજના પાર્ટીના જ્યોતિબેન ભારવાડિયા, રાહુલ બોરીચા અને ફુરકાન શેખનો વિજય થયો હતો. જ્યારે ભાજપના એકમાત્ર મહિલા ઉમેદવાર જશુબા અનિરૂધ્ધસિંહ ઝાલાનો આ વોર્ડમાં વિજય થયો હતો. આ વોર્ડમાં ભાજપના અન્ય ઉમેદવાર એવા રમાબેન ચાવડા, ભાયાભાઇ ડેર અને દિપકસિંહ ચૌહાણની હાર થઇ હતી. આ વોર્ડમાં મતની વાત કરીએ તો જ્યોતિબેન ભારવાડિયાને 4588, ફુરકાન શેખને 4717, રાહુલ બોરીચાને 3900 મત અને જ્યારે ભાજપના મહિલા ઉમેદવાર જશુબા ઝાલાને 4588 મત મળતા આ ચારેય ઉમેદવાર વિજેતા થયા હતાં.
વોર્ડ નં.7માં પણ ભાજપે પોતાનો કેસરિયો લહેરાવ્યો અને ચારેય ઉમેદવાર વિજય થયા છે. ભાજપના એક ઉમેદવાર ઇજાગ્રસ્ત હોવાથી તેઓએ સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રચાર કર્યો હતો અને વિજેતા થયા હતાં. ભાજપના લાભુબેન બંધિયા, પ્રભાબેન ગોરેચા, અરવિંદભાઇ સભાયા અને ગોપાલભાઇ સોરઠિયા વિજેતા બન્યા હતાં.
આજ રીતે વોર્ડ નં.8માં પણ ભાજપે પોતાનો ઝંડો ગાળ્યો હતો અને ભાજપનો ફરી કેસરિયો લહેરાયો છે. ભાજપના ચારે ઉમેદવારો વિજેતા થયા હતાં. ઉમેદવારોની વાત કરીએ તો ભાજપના દિવ્યેશભાઇ અકબરી, કેતનભાઇ ગોસરાણી, સોનલબેન કણજારિયા અને તૃપ્તીબેન ખેતિયાનો વિજય થયો હતો.
વોર્ડ નં.9માં ભાજપે પોતાનો ગઢ જાળવી રાખ્યો હતો. આ વોર્ડમાં ભાજપના ચારે ઉમેદવારોનો વિજય થયો હતો. જેમાં ભાજપના નિલેશભાઇ કગથરા, ધિરજભાઇ મોનાણી, ધર્મિનાબેન સોઢા અને કુસુમબેન પંડ્યા જીતી ગયા હતાં. જ્યારે કોંગે્રસના અશોક ત્રિવેદી અને બંટીબેન માંડલિયાની હાર થઇ હતી. મતની વાત કરીએ તો કુસુમબેન પંડ્યાને 7654, ધર્મિનાબેન સોઢાને 7172, ધિરજકુમાર મોનાણીને 9616 મત જ્યારે નિલેશભાઇ કગથરાને 6911 મત મળ્યાં હતાં.
વોર્ડ નં.10માં પણ ભાજપની પેનલનો વિજય થયો હતો. જેમાં પૂર્વ મેયર હસમુખભાઇ જેઠવાના પુત્ર પાર્થ જેઠવા, મુકેશભાઇ માતંગ, આશાબેન રાઠોડ અને ક્રિષ્નાબેન સોઢાનો વિજય થયો હતો. આ વખતે ભાજપે પૂર્વ મેયર હસમુખભાઇની જગ્યાએ તેના પુત્રને ઉતારતા વોર્ડમાં થોડો અસંતોષનો માહોલ ઉભો થયો હતો પરંતુ ભાજપનું મોવડી મંડળ આ અસંતોષને ઠારવામાં સફળ રહ્યું છે અને વધુ એક વખત આ વોર્ડમાંથી ભાજપની પેનલનો વિજય થયો છે.
વોર્ડ નં.11ની વાત કરવામાં આવે તો અહિં ઉલટ-સુલટભર્યા પરિણામોની ધારણા બાંધવામાં આવી હતી પરંતુ આ ધારણાઓ પણ પૂર્ણવિરામ ત્યારે મુકાયું જ્યારે ઇવીએમ મશીનમાં માત્ર કમળ જ કમળ ખિલી ઉઠ્યું. અહિંના કદાવર નેતા જશરાજ પરમારના પુત્ર તપનને ભાજપે મેદાને ઉતાર્યા હતાં. જ્યારે વોર્ડ નં.5માંથી ચૂંટણી લડી કોર્પોરેટર બનેલા ધર્મરાજસિંહ જાડેજાને ભાજપે અહિંથી લડાવ્યા હતાં. ભાજપની આ વ્યુહરચના સફળ થતાં આ બન્ને ઉમેદવાર તથા તેની પેનલના હર્ષાબેન વિરસોડિયા, તરૂણાબેન પરમારનો વિજય થયો હતો.
વોર્ડ નં.12ની વાત કરવામાં આવે તો અહિં કોંગ્રેસનો ગઢ ગણાવી શકાય કારણ કે કોર્પોરેશનના ઇતિહાસમાં અહિં ભાજપ ખાતુ ખોલાવી શકી નથી. આ પરિણામ ફરી વખત સત્ય સાબિત થયા છે. અહિં ફરી વખત કોંગ્રેસની પેનલ વિજેતા થઇ છે. જેમાં બે પૂર્વ વિપક્ષી નેતાઓ અલ્તાફ ખફી અને અસ્લમ ખિલજીની આગેવાની નીચે જેનબબેન ખફી અને ફેમીદાબેન જુણેજા વિજેતા થયા હતાં.
વોર્ડ નં.13 ની વાત કરીએ તો આ વોર્ડમાં ભાજપને ત્રણ બેઠકો પ્રાપ્ત થઇ હતી. જ્યારે કોંગ્રેસે પ્રથમ વાર આ વોર્ડમાં એક બેઠક ઉપર વિજય મેળવ્યો છે. આમ આ વોર્ડમાં ભાજપની પેનલમાં ભંગાણ થયું હતું અને કોંગ્રેસના ઉમેદવારે ખાતુ ખોલાવ્યું હતું. આ વોર્ડમાં ભાજપના ઉમેદવાર કેતનભાઇ નાંખવા 8775 મત, પ્રવિણાબેન રૂપડિયાને 6103 મત, બબીતાબેન લાલાવણીને 5429 મત મળ્યાં હતાં અને આ ત્રણેય ઉમેદવારને વિજેતા જાહેર કરાયા હતાં. આ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર ધવલ નંદાને 7006 મત સાથે વિજેતા જાહેર કરાયા હતાં જેની સામે ભાજપના ઉમેદવાર મોહિત મંગીને 6261 મત મળતા તેઓ હાર્યા હતાં. કોંગ્રેસના ઉમેદવારની વાત કરીએ તો રાજેશ વશિયરને 4181, ફરજાના દરજાદાને 4129 મત અને નિર્મળાબેન કામોઠીનો 5076 મતે પરાજય થયો હતો.
વોર્ડ નં.14 પણ ભાજપનો ગઢ ગણાય છે. આ વોર્ડમાં ફરી પાછો ભાજપનો કેસરિયો લહેરાયો હતો અને ભાજપના ચારે ચાર ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. જેમાં ભાજપના ઉમેદવાર મનિષ કટારિયા 8258, જીતેશ શિંગાળાને 7306, શારદાબેન વિઝુંડાને 6398 અને લીલાબેન ભદ્રાને 7503 મત સાથે વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસના ભાવનાબેન ગોરીને 2071, લક્ષ્મણભાઇ પીંડરારિયાને 1804, હમંતસિંહ જાડેજાને 1809 મત મળ્યા હતાંં.
વોર્ડ નં.15 કે જે કોંગ્રેસનો ગઢ ગણાય છે. ત્યાં પણ ભાજપે પોતાનો કેસરિયો લહેરાવ્યો છે અને ચારે ચાર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા છે અને કોંગ્રેસને ભોંય ભેગુ કરી દીધું છે. વોર્ડ નં.15માં શિક્ષણ સમિત્તિના સભ્ય અને રાજ્યમંત્ર ધર્મેન્દ્રસિંહ જાડેજાના પીએ પ્રવિણસિંહના પત્ની હર્ષાબા જાડેજા સહિત શોભાબેન પઠાણ, જયેશભાઇ ઢોલરિયા અને જયંતીભાઇ ગોહિલનો વિજય થયો હતો પણ થોડી જ ક્ષણો પછી કોંગ્રેસના ઉમેદવાર આનંદ રાઠોડ દ્વારા રિકાઉન્ટીંગ મંગાતા તેમાં આનંદ રાઠોડનો વિજય થયો હતો અને ભાજપના ઉમેદવાર જયેશભાઇ ઢોલરિયાનો પરાજય થયો હતો.
વોર્ડ નં.16માં પણ ભાજપે કોંગ્રેસ પર હાવી થઇ પરાસ્ત કરી દીધું છે. અહિં પણ ભાજપની ચાર સભ્યોની પેનલનો ભવ્ય વિજય થયો છે. અહિં ભાજપે શહેર મંત્રી વિનોદ ખિમસુર્યાની આગેવાની નીચે ટીમ ઉતારી હતી. આ ટીમ હેઠળ અન્ય ત્રણ ઉમેદવારોમાં ગીતાબા જાડેજા, ભારતીબેન ભંડેરી અને પાર્થ કોટડિયાનો જંગી બહુમતિથી વિજય થયો છે. આ વોર્ડ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે પરંતુ અહિં પ્રથમ વખત ભાજપ કમિટેડ મતદારોનો વધારો થતાં ભાજપે બાજી મારી છે.