જામનગર : જામનગર જીલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ખેતીવાડીને મોટું નુકસાન થયું છે. જોડિયા અને ધ્રોલ પંથકમાં અનેક ખેતરો અને ખેતરોમાંનો ઉભો પાક પુર તાણી ગયું છે. જેને લઈને ખેડૂતોના માથે માત્ર ખરીફ પાક નહિ પણ ખેતરો ધોવાઇ જતા મહામુલી ફળદ્રુપ જમીન નાશ પામી છે. જેને લઈને આજે સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોએ જોડિયા પંથકમાં પહોચ્યા હતા અને જ્યાં જવાબદાર અધિકારીઓનો ઉઘડો લીધો હતો.
તાજેતરમાં જામનગર જિલામાં ભારે વરસાદ પડ્યો હતો ભારે વરસાદના કારણે જીલ્લાના મોટાભાગના ડેમ ઓવરફલો થઇ ગયા છે. જેને લઈને તંત્રને રાતોરાત બંધ ડેમમાંથી પાણી છોડવાની નોબત આવી પડી હતી. નિચાણ વાળા વિસ્તારોને સચેત કરવાને બદલે કઈ પણ વિચાર કર્યા વગર જ ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. જેમાં ઊંડ એક અને બે ડેમના દરવાજા ખોલી નાખવામાં આવતા ધ્રોલ અને જોડિયાના ગ્રામ્ય વિસ્તારોના બુરા હાલ થયા હતા.
જોડિયા તાલુકાના ભાદ્રા, બાદનપર, આણદા સહિતના ગામડાઓમાં ખેતરોના ખેતરો ધોવાઈ ગયા હતા અને ખરીફ પાકની સાથે ખેતરો-પાળા સાથે ધોવાઈ ગયા હતા. બીજા જ દિવસે ભાજપના નેતાઓ આ વિસ્તાર પહોચ્યા હતા ત્યારબાદ ગઈ કાલે કોંગ્રેસ સાશિત જીલ્લા પંચાયતની શાસક બોડીએ જોડિયા પંથકની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ આજે સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોએ અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત સમયે ઈરીગેશન અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ સાથે રહ્યા હતા. જોડીયાના ઉંડ-2 ડેમ વિભાગના અધિકારીઓ સાથે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ વાતચીત કરી ખેડૂતોની વાત સામે રાખી હતી. જેની સામે ડેપ્યુટી એન્જીનીયર યશ ગઢકાએ સ્વીકાર્યું હતું કે મને કોઈ અનુભવ નથી. મને હમણાં જ નિમણુક આપવામાં આવી છે. જો ડેમના પાણી એક સાથે છોડવાની જગ્યાએ સમયાન્તરે પાણી છોડ્યા હોત તો આવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો ન પડત, જેને લઈને ધારાસભ્યોએ અધિકારીઓને રીતસર ખખડાવી નાખ્યા હતા. ધારાસભ્યોના સવાલોની સામે તંત્ર પાસે કોઈ જવાબ ન હતું. મુલાકાત વખતે જામનગરના પ્રવીણ મુસડીયા અને વિક્રમ માડમ સાથે રહ્યા હતા.