મોબાઈલમાં મથતી આજની પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બનતા વાંચનપ્રેમી જેસિંગબાપા

હહું મારી દીકરીઓને પૈસા આપીશ તો તે એક દિવસ રહેશે પણ પુસ્તક આપીશ તો તે એક ભવ રહેશે : જેસિંગ ભગત હેરાભા

0
785

એક દાદાને વાચનનું વ્યસન છે. તેઓ એક સપ્તાહમાં એક કે બે વખત પ્રવીણ પ્રકાશનના ( ઢેબેરરોડ – રાજકોટ) શો રૂમમાં આવે છે અને નવા જૂના તમામ પુસ્તકો ખરીદે છે. કોઈપણ કહેશે કે આમાં તો શું નવી વાત છે? તેનો જવાબ છે કે, આ આખું વાંચો પછી તમે પણ કહેશો કે, ‘અરે આથી મોટી નવી અને પ્રેરણાત્મક વાત બીજી કંઈ હોય શકે!’

છેલ્લા દસ વર્ષથી કોઈ મંદિરે જતા હોય તે રીતે અઠવાડિયે એક વખત તો નિયમિત રીતે દાદા પ્રવીણ પ્રકાશને આવે જ છે. તેઓ પ્રવીણ પ્રકાશનનાં ગૌરવ જેવા તો છે જ સાથે સાથે સમગ્ર આહિર જ્ઞાતિના ગૌરવ સમાન અને યુવાનો માટે પ્રેરણારૂપ છે. દાદાનું નામ જેસિંગ ભગત હેરાભા અને તેમની ઉંમર ૬૬ વર્ષ. આ દાદા કોઈ અબજોપતિ કે કરોડપતિ નથી પરંતુ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ચોકીદારી કરતા સમયે દરવાજા ઉપર બેઠાં બેઠાં આ દાદા પુસ્તકો વાંચે. જે લોકો એમ કહે છે કે તેમની પાસે વાંચવા માટેનો સમય નથી અથવા તો તેમને શું વાંચવું તે સમજાતું નથી તેમના માટે આ અમારા નિયમિત વાચક પ્રેરણારૂપ છે.

પ્રવીણ પ્રકાશનની ટીમે જ્યારે દાદા સાથે વાત કરી ત્યારે તેમનું કહેવું હતું કે, ‘હું છેલ્લાં દસ વર્ષથી રોજ પુસ્તક વાંચું છું. હું ચોકીદારીનું કામ કરું છું અને મારે ત્રણ દીકરીઓ છે. ઘરની જવાબદારી નિભાવવા માટે હું નોકરી કરું છું. આ સમાજમાં અને મુશ્કેલીઓ સામે ટકી રહેવા માટે પુસ્તકો જ મારો આધાર છે. પ્રવીણ પ્રકાશન તરફથી મને પુસ્તક વાચવા માટે આપવામાં આવે છે, હું તે વાંચી અને પુસ્તક પરત કરી જાઉં છું. છતાંય 100થી પણ વધારે પુસ્તકોની મેં ખરીદી પણ કરી છે. મને ઐતિહાસિક પુસ્તકો વાચવા ઘણાં પસંદ છે કારણકે તેમાં આપણા ઇતિહાસ અને વારસા વિશે જાણવા મળે છે. પ્રેરણા મળે છે અને કેવી કેવી મુશ્કેલી હતી? કેવા સમયે કોણે શું કામ કર્યું? અને કેવી રીતે વિવિધ પડકારોનો સામનો કર્યો? તે જાણવા મળે છે. આપણો ઈતિહાસ આપણે નહિ જાણીએ તો કોણ જાણશે?

સાગરકથા, રામજન્મભૂમિ બાબરી મસ્જિદ, દેવ શંકર મહેતા, મેવાડની મત્સ્યગંગા, ચિત્તોડની રણગર્જના, નવાનગરના નરબંકા, વિરાંગનાની વાતો અને સોમનાથની સખાતે અને લોકસાહિત્ય તેમજ ઐતિહાસિક અનેક પુસ્તકો મેં અત્યાર સુધીમાં વાંચ્યા છે. આપણે માત્ર મોટી મોટી વાતો કરીએ છીએ, ઓલા વોસટઅપ (તેમની બોલીનો શબ્દ તે જ સ્વરૂપે છે.)માં અને ફોનમાં ઘણું આવે પણ તે બધું છીછરું છે. જો એક વખત પુસ્તકોના પાનાં ઉથલાવીએ તો જાણ થાય કે પુસ્તક આપણને શું આપે છે. હિંમત અને પ્રેરણા જેવી વાતો આપણે ખાલી ખાલી કરીએ છીએ જ્યારે પુસ્તકોમાં તો તે સાચે સાચા રહેલા છે.

આજના લેખકો મને નથી ગમતાં એવું નથી પણ તેઓ દેવશંકર મહેતા, રસિક મહેતા, એસ.વી. જાની, પ્રદ્યુમન ખાચર, ઝવેરચંદ મેઘાણી, ગોકુલદાસ રાયચુરા, હરિલાલ ઉપાધ્યાય, ગુણવંતરાય આચાર્ય, તારાચંદ અડાલજા જેવા લેખકોની તોલે આવી શકતા નથી. હું વર્ષોથી વાંચું છું અને અનેક પુસ્તકો મે વાંચ્યાં છે એટલે કહી શકું કે, ‘વાચન અને વચન સમાન છે.’ મને સાહિત્યમાં રસ છે, ઇતિહાસ જાણવો ગમે છે અને હું વાચતો રહું છું એટલે મગજમાં કોઈ ખોટી કેસેટ ચડતી નથી અને વાચતા રહો એટલે કોઈ વાત કરવાનું કે માથાકૂટમાં પડવાનું પણ થતું નથી.

મારી પાસે જેટલા રૂપિયા હોય તે પ્રમાણે હું સારાં સારાં પુસ્તકો ખરીદી અને બહેનો દીકરીઓને વાર તહેવારે ભેટ પણ આપું છું. હું તેને પૈસા આપીશ તો તે એક દિવસ રહેશે પણ પુસ્તક આપીશ તો તે એક ભવ રહેશે. મારી દીકરીઓ પણ મારા પુસ્તક સંગ્રહને એક વારસો માને છે અને તે પણ વાચે છે. હું દીકરીઓને અઢળક રૂપિયાને બદલે પુસ્તક આપી શક્યો અને તેને વાચતી કરી શક્યો તેનો મને સંતોષ છે. ચોપડીઓમાં તો ભગવાન છે.’

આ શબ્દો આપણને વિચારતા કરે છે. એક ચાર ચોપડી ભણેલ વ્યક્તિને જે સમજ છે તે પોતાની જાતને શિક્ષિત માનતા કે પીએચડી થયેલાઓને પણ ક્યારેક નથી હોતી. તેમની પાસે સમસ્યા તો છે સાથે સાથે ઉકેલ પણ છે. તેમની પાસે માહિતી અને જ્ઞાન બંને છે. સાચાં ખોટાં, સારાં નરસાનું તેને ભાન છે. જે તેને પુસ્તકોમાંથી મળ્યું છે. આ જેસિંગ દાદાનું પુસ્તકો ખરીદવાનું બજેટ નાનું હોય છે પણ તે નાના બજેટમાં પણ પુસ્તકોની ખરીદી કરે છે. કિંમતી ઝવેરાત અને જમીન જેટલા જ મહત્વનાં પુસ્તકોને માને છે. આવા ગ્રાહકો જ પ્રવીણ પ્રકાશનનો આધાર છે. ચોકીદાર જેસિંગ ભગત હેરાભા પ્રવીણ પ્રકાશનનું ગૌરવ છે.

NO COMMENTS