ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૭૭-જામનગર (ગ્રામ્ય) વિધાનસભા બેઠકના કોંગ્રેસના લોકપ્રિય ઉમેદવાર જીવણભાઈ કુંભરવડીયા તથા કોંગ્રેસના આગેવાનોએ તેમના મતક્ષેત્રમાં આવતા ગામડાઓમાં મેરેથોન પ્રવાસ કરી ઝંઝાવાતી જનસંપર્ક પ્રવાસ અભિયાન કર્યું હતું. જેમાં આ મત વિસ્તારના ચંગા, ચંદ્રગઢ, ખોજા-બેરાજા, દડીયા, લાવડીયા, મકવાણા, નારણપર, નાઘેડી, ઠેબા, સુવરડા, વિજરખી અલીયાબાળા, સિક્કા, બેડી વગેરે સહિતના તમામ ગામડાઓ માં જઈને ઘરે-ઘરે લોકોને મળીને ગ્રામજનો-ખેડૂતવર્ગ સાથે મિટિંગ કરીને કોંગ્રેસના પંજાને મત આપવા અપીલ કરી હતી.
કોંગ્રેસના ઉમેદવાર જીવણભાઈ કુંભરવડીયા સાથે પ્રવાસ-પ્રચારમાં જામનગર જિલ્લા માલધારી સેલના પ્રમુખ બાબુભાઈ લુણા, જિલ્લા પંચાયત મોરકંડા બેઠકના સદસ્ય પ્રભાતભાઈ જાટીયા, કોંગ્રેસના જિલ્લા મહામંત્રી વિરેન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજય ગ્રામ તાલુકા પંચાયત સદસ્ય ગિરીરાજસિંહ રાઠોડ, જામનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, કોળી સમાજના આગેવાન દિનેશભાઈ કમ્બોયા તથા કાર્યકરો જોડાયા હતાં.
તેમના આ જનસંપર્ક દરમ્યાન અને બેઠકોમાં ગ્રામજનો અને ખેડૂતો તેમજ પશુપાલકોએ અને ભાજપ શાસનમાં તેમને થઈ રહેલા અન્યાય અંગે રોષ ઠાલવ્યો હતો. કોંગ્રેસના જીવણભાઈએ પણ ખેડૂતોને પાક વીમો, વીજળી, પાણી, જમીન માપણીમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ હોવાનું જણાવી આ વખતની ચૂંટણીમાં ભાજપના શાસકોને જડબાતોડ જવાબ આપવા અનુરોધ કર્યો હતો. ગામડાઓમાંથી ગરીબ, મધ્યમવર્ગના લોકોએ પણ આ વખતની ચૂંટણીમાં સત્તા પરિવર્તનનો ખુલ્લમખુલ્લો સંકેત આપી દીધો છે. અતિશય મોંઘવારી અને બેરોજગારીના કારણે આમજનતા માટે જીવનનિર્વાહ મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે લોકોએ આ ચૂંટણીમાં સમગ્ર દેશને નવી દિશા ચિંધવાનો જનાદેશ આપવાનો નિર્ધાર વ્યકત કરી કોંગ્રેસના ઉમેદવાર જીવણભાઈ કુંભરવડીયાને સમર્થન આપ્યું હતું.