જામનગરના કનસુમરા ફાટક સાંઢીયા પુલ પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી એક યુવકે દોઢ મહિના અગાઉ આપઘાત કરી લીધો હતો. પરંતુ કરોડો રૂપિયા પરત ન મળતા જમીન અને દાગીના પણ હાથમાંથી જતા રહેતા યુવકે આર્થિક ભીંસના પરિણામે રેલ્વે ટ્રેક હેઠળ પડતું મૂકીને આપઘાત કર્યો હતો. મૃતકની પત્નીએ 8 શખ્સો વિરુધ આ મામલે પંચકોશી બી ડીવીઝન પોલી દફતરમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર શહેરના હરિયા કોલેજ નજીક કૈલાસનગરમાં રહેતા જેન્તીભાઈ વલ્લભભાઈ સંઘાણી નામના યુવકે ગત તા.28 જન્યુઆરીના રોજ કનસુમરા રેલ્વે ફાટક પાસે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાના દોઢ મહિના બાદ મૃતક જેન્તીભાઈના પત્ની ગીતાબેન સંઘાણીએ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેમના પતિના કરોડો રૂપિયા ફસાયા હોય અને આરોપીઓ તેમને પૈસા ન આપી બીજા પાસેથી વ્યાજે લેવડાવ્યા હતા. અને આર્થિક ભીંસથી કંટાળી યુવકે આ પગલું ભર્યું હતું.
મૃતક જેન્તીભાઈ સ્વસ્તિક સોસાયટીમાં રહેતાં કૌશિક દેવીદાસ પારેખ પાસે આશરે સાત થી આઠ કરોડ રૂપિયા જેન્તીભાઇ માંગતા હતાં અને માતબર રકમ નહીં ચૂકવવા માટે જેન્તીભાઈને અવાર-નવાર દબાણ હેઠળ રાખી માનસિક ત્રાસ આપી વાયદાઓ આપતા હતાં. તેમજ અમદાવાદમાં રહેતા તેના પુત્ર ચીરાગ કૌશીક પારેખ તથા દર્શક કૌશીક પારેખ દ્વારા અવાર-નવાર ધમકીઓ આપવામાં આવતી અને પૈસા ન વસુલવા દબાણ કરવામાં આવતું હતું. અને ચાર શખ્સો જેમાં રમેશ માધવજી મોલિયા, શૈલેષ છગન સભાયા, મહેન્દ્રસિંહ બી. ચાવડા અને કિર્તીસિંહ કે. જાડેજા જેન્તીભાઈને ઊંચા વ્યાજે રકમ આપી હતી. જેન્તીભાઈએ વ્યાજ સહીતની રકમ આપી દીધી હોવા છતાં આ શખ્સોએ ઉઘરાણી કરી ખેતીની જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હતો. ઉપરાંત કિરીટ સોની નામના શખ્સે મરણજનારના ઘરના સોનાના દાગીના ઉંચા વ્યાજે રાખીને રૂપિયાની ઉઘરાણી માટે ધાક-ધમકી આપતો હતો. પરિણામે આ શખ્સોની ધમકીઓથી કંટાળી આર્થિક ભીંસના પરિણામે તેઓએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.
આ સમગ્ર મામલે મૃતકના પત્ની ગીતા બહેને કૌશિક દેવીદાસ પારેખ (કે.ડી.પારેખ) (રહે. જામનગર), ચિરાગ કૌશિક પારેખ, દર્શક કૌશિક પારેખ (રહે. અમદાવાદ) રમેશ માધવજી મોલિયા, શૈલેષ છગન સભાયા, મહેન્દ્રસિંહ બી. ચાવડા અને કિર્તીસિંહ કે. જાડેજા તથા કિરીટ સોની સહીતના 8 શખ્સો વિરુધ પંચકોશી બી ડીવીઝન પોલીસ દફતરમાં કલમ-૩૦૬,૫૦૬(૨),૧૧૪ તથા ધ ગુજરાત મની લેડર્સ એક્ટ-૨૦૧૧ ની કલમ-૫,૩૩,૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.