જામનગર : જામનગરમાં રખડતા ઢોરની સમસ્યા આમ બની ગઈ છે. ત્યારે ગઈ કાલે ગાયની ઢીંકે ચડેલા પ્રૌઢ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. રખડતા ઢોરની સમસ્યા આમ બની છે છતા મહાપાલિકા તંત્ર બેદરકાર જ રહ્યું છે.
જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા આમ બની ગઈ છે. રખડતા ઢોરોએ અનેક વૃદ્ધ નાગરીકોને ઢીંકે ચડાવ્યા છે. જાન હાનીના બનાવો પણ બન્યા છે છતાં પણ મહાપાલિકા તંત્ર દ્વારા કાયમી ઉકેલ તરફ ક્યારેય વિચારવામાં આવ્યું નથી. આવી હાલત વચ્ચે વધુ એક ઘટના ઘટી છે. જેમાં શહેરના નવાગામ ઘેડ જુના રેલ્વે સ્ટેશન પાસે વેલનગરમાં રહેતા ગીતાબેન જયંતીભાઈ ડાભી ઉવ ૫૦ બે દિવસ પૂર્વે પોતાના સંબંધીના રહેણાક મકાન સિધ્ધનાથ સોસાયટી તારમામદ સોસાયટી પાસે જામનગરથી ચાલીને પોતાના ઘરે પસાર થતા હતા. ત્યારે શાહ પેટ્રોલપંપ આગળ જાહેર રોડ ઉપર એક ગાયએ ઢીક મારી પછાડી દીધા હતા. જેમાં ગંભીર ઈજા પહોચતા ગીતાબેન બેભાન થઇ ગયા હતા અને તેઓને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.