જામનગર : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ટિકીટના માપદંડમાં રાતોરાત ફેરફાર કરી નાંખતા સિનિયર નેતાઓ-કોર્પોરેટરોમાં ભારે સન્નાટો પ્રસરી ગયો છે. 60 વર્ષથી વધુની વયને લીધે 4 અને 3 કે તેથી વધુ ટર્મ થવાને કારણે 6 પૂર્વ કોર્પોરેટરોની ટિકીટ કપાઇ ગઇ છે. આ નિર્ણયને યુવા કાર્યકરો આવકારી રહ્યાં છે તો અસરગ્રસ્ત અને સિનિયર કાર્યકર્તાઓમાં છાને ખૂણે નારાજગી અને અસંતોષ જોવા મળે છે. પ્રદેશ પ્રમુખે નવા નિયમો જાહેર કરી હોળી પહેલાં જ હૈયાહોળી ઉભી કર્યાનો ઘાટ ઘડાયો છે.
1995 થી ગુજરાતમાં ભાજપ સત્તા સ્થાને છે. જામનગર, રાજકોટ, ભાવનગર, અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે. એટલું જ નહીં પરંતુ આ છ મહાનગરોના ભાજપ તરફી લોકજુવાળને લીધે 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલન વચ્ચે પણ શહેરી વિસ્તારોની બેઠકો જીતીને ભાજપએ વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં સરકાર બનાવી હતી.
આ પછી તાજેતરમાં ભાજપએ ગુપ્ત રીતે ઉપરોક્ત તમામ છ મહાનગરપાલિકાઓમાં ચૂંટણીલક્ષી સર્વે કરાવ્યો હતો અને તેમાં ભાજપ તરફી લોકમાનસ હોવાનો રિપોર્ટ આવતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 3 ટર્મ કે તેથી વધુ સમયથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સભ્યપદ ધરાવતા, 60 કે તેથી વર્ષની વય વટાવી ચુકેલા તેમજ પક્ષ-સરકારના હોદ્દેદારોને અને આવા હોદ્દેદારોના પરિવારજનોને ટિકીટ નહીં આપવામાં આવે તેવું ફરમાન ગઇકાલે અચાનક જ જાહેર કરી દીધું હતું. ગઇકાલથી મહાનગરોના ઉમેદવારોની પસંદગી માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી આવાસે શરૂ થયેલી પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડમાં પણ આ જાહેરાત કરી દેતા સનસનાટી મચી ગઇ હતી. આ અચાનક આવેલા નવા માપદંડ (નિયમ) નો અમલ પણ ગઇકાલે ભાવનગરના ઉમેદવારની પસંદગીથી શરૂ કરી દેવામાં અન્ય તમામ મહાનગરના ટિકીટવાચ્છુઓ સ્તબ્ધ બની ગયા છે.
પ્રદેશ ભાજપ પ્રમુખના આ નિર્ણયથી ભાજપના યુવા કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળે છે. તો સિનિયર આગેવાનો, જેની ટિકીટ કપાઇ છે તેવા દાવેદારોમાં નિરાશા પ્રસરી ગઇ છે. આ તમામ આગેવાનોનું અનઔપચારિક રીતે એવું કહેવું છે કે અનુભવી કોર્પોરેટરો નહીં હોય તો શાસન ચલાવવામાં મુશ્કેલી પડી શકે છે. પેધી ગયેલા અધિકારીઓ સિનિયરો-અનુભવીઓની ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવી પોતાનું ધાર્યું કરાવવા પ્રયાસ કરશે. વળી એક સુર એવો પણ છે કે નવા માપદંડ કે નવા અખતરા બધા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ શા માટે કરવામાં આવે છે. પંચાયતોમાં 33 ટકા અને મ.ન.પા.માં 50 ટકા મહિલા અનામતનો અમલ આજ સુધી ધારાસભા કે લોકસભાની ટિકીટ માટે કેમ અમલમાં નથી મુકાયો? આ જ રીતે 3 ટર્મ કે 60 વર્ષની વયમર્યાદાનો નિયમ પ્રદેશ પ્રમુખ આગામી વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં પણ અમલમાં મુકાવી શકશે ખરા? કે પછી નાના હોદ્દેદારોની દશા ‘ગરીબ કી જોરૂં સબકી ભાભી’ જેવી જ રહેશે?
પ્રદેશ પ્રમુખના નવા નિયમના પડઘા જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીની ટિકીટ માંગનારાઓમાં પણ પડ્યાં છે. આ નવા નિયમથી 10 પૂર્વ કોર્પોરેટરો અને અન્ય આગેવાનોના ટિકીટ મેળવવાના અરમાન ઉપર ઠંડુ પાણી ફરી વળ્યું છે. એવા 10 માથાની ટિકીટ કપાઇ ગઇ છે કે જેની ગેરહાજરીવાળી ભાજપની નવી ટીમની કલ્પના કોઇએ કરી નહોતી. જામનગરમાં જેની ટિકીટ કપાઇ રહી છે તેમાં પૂર્વ મેયર હસમુખ જેઠવા, પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુર, માજી મેયર દિનેશ પટેલ, સ્ટેન્ડીંગ કમિટીના માજી ચેરમેન મનિષ કનખરા, દિનેશ ગજરા, જશરામ પરમાર, મેરામણ ભાટુ, કમલાસિંગ રાજપૂત, માજી ડેપ્યુટી મેયર પ્રવિણ માડમ તેમના ભાઇ કિશન માડમનો સમાવેશ થાય છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલના ઉપરોક્ત નિર્ણયથી હોળી પહેલાં જ હૈયાહોળી શરૂ થઇ ગઇ હોવાના નિર્દેશ મળે છે. દિનેશ પટેલ, પ્રવિણ માડમ, કિશન માડમ, કેશુ માડમની 60 વર્ષની મર્યાદાને લીધે વિકેટ પડી છે તો ત્રણ કે તેની વધુ ટર્મ થઇ જવાને લીધે બાકીના 6 પૂર્વ કોર્પોરેટરો ક્લીન બોલ્ડ થઇ ગયા છે. બે પૂર્વ કોર્પોરેટરોએ બગાવત કરવાનું પણ ગંભીર રીતે વિચારીને કોંગ્રેસમાં ફરી એક વખત કુદકો મારે એવી પણ શક્યતા ઉભી થઇ ગઇ છે. આ ઉપરાંત ભૂતકાળમાં શહેરી રાજકારણમાં (મ.ન.પા.માં) પ્રભુત્વ ધરાવનાર માજી મેયર રાજુ શેઠ, કનકસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ ખુમાનસિંહ સરવૈયા, મહામંત્રી ગોપાલ સોરઠિયા માટે પણ ભાજપમાંથી ચૂંટણી લડવાના દરવાજા બંધ થઇ ગયાં છે.