જામનગર: સ્માર્ટ વીજ મીટર ગરીબ-મધ્યમ વર્ગની પાય પીટી નાખશે? કેમ યોજનાનો થયો છે વિરોધ?

0
610

જામનગર: ગુજરાતમાં પ્રાયોગિક ધોરણે સ્માર્ટ વીજ મીટર લગાડવાનો નિર્ણય તો કર્યો છે. પરંતુ આ મીટરો લોકોના માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યા છે. જામનગર સહિત રાજ્યભરમાં સ્માર્ટ મીટરના ઈંસ્ટોલેશન બાદ વિરોધનો વંટોળ છેક વીજ કચેરીઓના ઘેરાવ સુધી પહોચ્યો છે. સ્માર્ટ મીટર કાર્યાન્વિત થયા બાદ વીજબિલ વધુ આવતા હોવાની વ્યાપક ફરિયાદ ઊઠી રહી છે. જે ઘરનો વીજ વપરાશનું બિલ બે મહિનાનું બે હજારની આસપાસ આવતું હતું. તેણે ૧૫ જ દિવસમાં એક હજાર કરતાં વધુનું રિચાર્જ પૂરું થઇ ગયાનો અનુભવ થઇ રહ્યો છે. જેથી સ્માર્ટ વીજ મીટર લગાડયા બાદ વીજ ગ્રાહકોના ખિસ્સા હળવા કરવા સ્માર્ટ રીત અપનાવી હોવાનો સૂર ઉઠ્યો છે. આ કારણે જામનગર સહિત ગુજરાતના અનેક શહેરોમાં તેનો વિરોધ ઉઠ્યો છે.

જામનગરમાં કોર્પોરેટરની આગેવાની હેઠળ વિરોધ

જામનગરમાં બે દિવસ પૂર્વે નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી મહિલાઓએ મહિલા નગરસેવિકા રચનાબેન નંદાણીયાની આગેવાની હેઠળ પીજીવીસીએલ કચેરી પહોચી સુત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. મહિલાઓએ વીજ અધિક્ષક સામે બળાપો કાઢ્યો હતો કે પોતાના પરિવારની જેટલી આમદની નથી એનાથી વધારે સ્માર્ટ બીલનું ચૂકવાનું કરવું પડ્યું છે. અમારે પેટનું કરવું કે વીજ તંત્રનું બીલ ભરવું? સ્માર્ટ મિટરનો સખ્ત વિરોધ કરી મીટર કાઢી લેવા ઉગ્ર રજૂઆત કરી હતી વડોદરામાં વિરોધ બાદ તંત્રએ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ પ્રક્રિયા હાલ પુરતી મોકૂફ રાખી છે. પરંતુ મહિલાઓને કચવાટ છે કે આ યોજના પાછળ બહુ મોટી કંપનીનું હિત સચવાયેલ છે તેથી ચુંટણીના પરિણામ બાદ પ્રક્રિયા આગળ વધારવામાં આવશે જો સરકાર પરાણે મીટર લગાવશે તો ઉગ્રથી પણ વધુ વિરોધ કરવાની મહિલાઓએ તૈયારી બતાવી છે.

સરકારી ઓફિસોમાં લગાવાશે સ્માર્ટ મીટર

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત મોટો નિર્ણય લેવાયો છે કે, સ્માર્ટ મીટર હવે સરકારી કચેરીઓમાં લગાવાશે. રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે. સ્માર્ટ મીટરના થઈ રહેલા વિરોધ બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવા કવાયત હાથ ધરાઈ છે. રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ હાથ ધરાયો છે. સામાન્ય જનતાની ગેર સમજ દૂર કરવા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે. 

વડોદરામાં સ્માર્ટ મીટરના ઈન્સ્ટોલેશન પર બ્રેક લાગી


વડોદરામાં સ્માર્ટ મીટરના ભારે વિરોધ બાદ આખરે સ્માર્ટ મીટર લગાવવા પર MGVCL એ બ્રેક લગાવી છે. આડેધડ નાણાં કપાતા હોવાના લોકોના વિરોધ બાદ તંત્ર દ્વારા હંગામી નિર્ણય લેવાયો છે. ફરિયાદ કરનારને ત્યાં ચેક મીટર લગાવી હકીકત જાણાવવામાં આવશે. સાથે જ સામેથી કહેનાર સોસાયટી અને કચેરીઓમાં જ સ્માર્ટ મીટર હાલ લગાવાશે. 

આખરે સ્માર્ટ મીટરનો કેમ થઈ રહ્યો છે વિરોધ?


સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણ પાર પડે તે પહેલા જ તેનો વિરોધ શરૂ થયો છે. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો દાવો કરાયો છે, તો વિપક્ષે ચીમકી આપી છે કે જો સ્માર્ટ મીટર લાગ્યા તો ઉગ્ર આંદોલન કરીશું. જામનગર અને વડોદરામાં જે ઘરોમાં સ્માર્ટ મીટર લગાવાયા છે ત્યાં ધુ બિલ આવતું હોવાનો લોકોએ જણાવી રહ્યા છે. આ જ કકળાટને કારણે શહેરીજનોએ ઉગ્ર રજૂઆત કરી મોટી સંખ્યામાં મહિલાઓએ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો. લોકોનો આક્ષેપ છે કે પહેલા જે મીટર હતા તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે. એવા પણ આક્ષેપ થયા છે કે, રિચાર્જ કરાવ્યા બાદ પણ બેલેન્સ ઓછું આવે છે. ઘરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. વડોદરામાં લાગેલા સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ તો વિરોધ કર્યો જ પરંતુ સાથે સાથે હવે વિપક્ષ પણ મેદાનમાં આવી ગયું છે.

સ્માર્ટ મીટર નામની બલા આખરે છે શું?

શું છે સ્માર્ટ મીટર અને હાલ આપણા ઘરમાં છે તે સાદા મીટર વચ્ચે તફાવત? તો, સાદા મીટરમાં વીજના વપરાશ પછી બીલ ભરવાનું હોય છે. સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે. સાદા મીટરમાં બીલ રિડિંગ માટે કર્મચારી આવતો હતો. સ્માર્ટ મીટરમાં બીલ રિંડીંગની જરૂર નહીં પડે, સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું. સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરાવું પડે છે, સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો નહતો. સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here