જામનગર : આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે કાગવડ ખાતે આજે સૌરાષ્ટ્રના પટેલ સમાજના આગેવાનોને ખાનગી બેઠક મળી છે. રાજ્યમાં પાટીદારોના ઉત્કર્ષ માટેની રણભૂમિકા અને રાજકારણમાં રહેલ સ્થાન તેમજ આગામી આયોજનની ચર્ચાઓ મુખ્ય રહી હતી. સુત્રોનું માનવામાં આવે તો આ બેઠકમાં જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ અને ગોંડલના નિખિલ પટેલ સામે ગુજસીટોક કાયદા હેઠળ કરાયેલ કાર્યવાહી સહિતની બાબતો ચર્ચાઈ હતી.
સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના આગેવાન અને નરેશ પટેલ, કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા સહિતનાઓની હાજરીમાં આજે કાગવડ ખાતે પાટીદાર સમાજની બિન રાજકીય બેઠક મળી હતી. જેમાં સમાજના ઉત્કર્ષ માટે વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ થઈ હતી. સુત્રોનું માનવામાં આવે તો આ બેઠકમાં રાજ્યના રાજકારણમાં પાટીદારોના મહત્વ અને હાલના સ્થાન અંગેની ચર્ચાઓ થઈ હતી. આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓને લઈને પણ મંત્રણાઓ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ઉપરાંત બેઠકમાં જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ અને ગોંડલના નિખિલ દોન્ગા અંગે પણ ચર્ચાઓ થઈ છે. પરંતુ આ ચર્ચાઓ સકારાત્મક કે નકારાત્મક બાબતે થઈ તે અંગે જાણવા મળ્યું નથી.
આ બેઠકમાં ભાજપ – કોંગ્રેસ અને અન્ય પક્ષના તથા જુદા જુદા જિલ્લાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જેમાં રાજ્યભરના લેઉવા પટેલ સમાજના રાજકીય અને સામાજિકમાં પરેશ ધાનાણી, નરેશ પટેલ, જયેશ રાદડિયા, લલિત વસોયા, કિરીટ પટેલ પાટણ, ગોરધન ઝડફિયા,જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, ગોપાલ ઈટાલીયા સહીત ખોડલધામના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા છે.