જામનગર : જમાઈ શા માટે જમ બની ગયો ? શા માટે નીપજાવી સસરાની હત્યા, આવું છે કારણ

0
807

જામનગર : જામનગરમાં બે દિવસ પૂર્વેની રાત્રે જમાઈએ સસરાની હત્યા નીપજાવી હોવાના બનાવે ભારે ચર્ચા જગાવી છે. પોલીસે જમાઈની અટકાયત કરી લીધી  છે. પરંતુ સામાજિક સબંધમાં લોહી રેડાઈ જતા સમાજચિંતકો સહીત સભ્ય સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જામનગરમાં ગત તા. ૨૩/૦૨/૨૦૨૧ના રોજ રાત્રે પોણા આઠેક વાગ્યે તળાવની પાળ દિગ્વિજય પ્લોટ શેરી નં-૧૨ શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં કાલાવડ ખાતે રહેતા વિજયભાઈ ભાનુશંકરભાઈ ભટ્ટ નામના વૃદ્ધની તેના જ જમાઈ એવા મનિષભાઇ સુરેશચંદ્ર જાનીએ બોલાચાલી કરી, ઈંટ વડે પ્રહાર કરી,  માથાના ભાગે ત્રણ-ચાર ઘા ફટકારી કરપીણ હત્યા નીપજાવી નાશી જતા સનસનાટી મચી જવા પામી હતી. આ બનાવના સમયે મૃતકની પુત્રી અને આરોપીની પત્ની ફાલ્ગુનીબેન પણ સ્થળ પર જ હતા. આ ઘટનાની જાણ થતા સીટી એ ડીવીજન પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોચ્યો હતો અને મૃતકનો કબજો સંભાળી હોસ્પિટલ  ખસેડ્યો હતો.

મૃતકના ભત્રીજા સંજયભાઇ રમેશભાઇ ભટ્ટએ નાશી ગયેલ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં મૃતક કાકાના પુત્ર સચિને અમદાવાદમાં ઘર બનાવ્યું હોય અને આ પ્રસંગનું આમંત્રણ આપવા માટે મૃતક જામનગર આવ્યા હતા, જામનગરમાં જમાઈના ઘરે બંને વચ્ચે બોલાચાલી  થઇ હતી. જેમાં ઉસ્કેરાઈ ગયેલ જમાઈએ સસરા પર હુમલો કરી ઇંટના ઘા ફટકારી હત્યા નીપજાવી હોવાનો આરોપ લગાવાયો  છે. છેલ્લા નવ વરસથી જમાઈ અને સસરા પરિવાર વચ્ચે કોઈ બાબતે વિખવાદ થતા આવવા જવાનો સબંધ પણ રહ્યો ન હતો. પરંતુ  સસરાએ જમાઈના ઘરે જઈ વાસ્તુનું આમત્રણ આપતા વધુ એક વખત જમાઈએ બોલાચાલી કરી, ઉસ્કેરાઈ જઈ હુમલો કરી દીધો હતો અને સસરાની હત્યા નીપજાવી હતી. આરોપીને સંતાનમાં એક ૧૭ વર્ષનો પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS