જામનગર : GPCB અધિકારીએ ‘માલ’ ક્યાંથી બનાવ્યો ? એક જ સવાલ

0
727

જામનગર : જામનગર,રાજકોટ અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીમાં વર્ગ એક અધિકારીએ સરકારને ચૂનો ચોપડી નાની મોટી કપનીઓ અને કારખાનેદારો સામે રહેમરાહ રાખી માલામાલ બની જવા છતાં આ માલ ક્યાંથી બનાવવામાં આવ્યો તેની હકીકતો સામે આવી જ નથી. આ હકીકત ક્યારેય સામે પણ નહિ આવે એમ પણ સુત્રો માની રહ્યા છે. બીજી તરફ કોર્ટે અધિકારીની રેગ્યુલર જમીનની અરજી ફગાવી દેતા અધિકારીનો જેલવાસ વધ્યો છે.

રાજકોટ જીપીસીબી કચેરીમાં ફરજ બજાવતા અને જામનગર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ચાર્જમાં રહેલા વર્ગ-૧ અધિકારી ભાયાભાઈ ગિગાભાઈ સૂત્રેજાને ગત મહિને એસીબી ગાંધીનગરે રૂ.૫લાખની રોકડ સાથે પકડી પાડ્યા બાદ એક સપ્તાહ સુધી તપાસ કરી હતી જેમાં અધિકારીના ઘરેથી, બેન્કના લૉકર માંથી સહિત રૂ.૧,૨૭,૯૫,૮૭૪નો મુદ્દામાલ મળી આવ્યો હતો. દરમિયાન એસીબીએ આરોપીને બે વખત રિમાન્ડ પર લઇ જેલહવાલે કર્યો હતો. જેલમાં ગયા બાદ આરોપીના વકીલ દ્વારા રેગ્યુલર જમીન મેળવવા માટે ગાંધીનગર એસીબી સેસન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીને ગઇકાલે કોર્ટે ફગાવી નામંજૂર કરી હતી.

બીજી તરફ એ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે અધિકારીએ કરોડો રૂપિયાની સંપતિ બનાવી લીધી છતાં અધિકારીએ કોની પાસેથી લાંચ લીધી છે તેની વિગતો ક્યારેય સામે આવશે નહી, હકીકત તો પ્રાથમિક તબ્બકે જેટલા અધિકારીને દોષિત માનવામાં આવે છે એટલા જ દોષિત લાંચ આપનાર પણ છે. ત્યારે કઈ કંપનીએ કે કયા કારખાનેદારે કે ઉદ્યોગકારે લાંચ આપી, કેવું ખોટું કામ કરાવ્યું છે ? તે પણ સ્પષ્ટ થવું જોઈએ, પણ હાલની સીસ્ટમ જોતા એવી વિગતો સામે આવશે જ નહી એમ જાણકારોએ મત દર્સાવી ઉમેર્યું છે કે આવી સીસ્ટમ અમલમાં આવે તો ભષ્ટાચારને રોકી શકાશે.

NO COMMENTS