જામનગર : જામનગર નજીક ધુવાવ ગામે એક પરિવારની ૧૬ વર્ષીય પુત્રીને માતાના ઠપકાથી લાગી આવતા તેણીએ ગળાફાસો ખાઈ આપઘાત કરી જીવતરનો અંત આણ્યો છે. આ બનાવના પગલે પરિવાર સહીત નાના એવા ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.
જામનગર નજીકના ધુંવાવ ગામે ઘટેલી ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અહીના દલિતવાસમાં રહેતા દિનેશભાઇ બાબુભાઇ પરમારની 16 વર્ષીય પુત્રી શીતલબેને પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે. આ બનાવ અંગે દિનેશભાઇએ જાણ કરતા પંચકોષી એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકનો કબ્જો સંભાળયો હતો. પોલીસના નિવેદનમાં મૃતકના પિતાએ જણાવ્યા મુજબ, માતા ધનીબેન તેણીને અવાર-નવાર કામ બાબતે ઠપ્પકો આપતા હોય અને તેણીની સવારે મોડી ઉઠતી હોવાથી માતા આ બાબતે પણ ઠપકો આપતા હતા જેને લઈને તેણીને લાગી આવતા આ પગલું ભરી લીધું હતું. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.