જામનગર જિલ્લો
જામનગર જિલ્લામાં આવતીકાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી બી. કે.પંડયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી તમામ કામગીરી કરાઇ રહી છે. અને મતદાન મથકો ખાતે જામનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. મતદાનનો સમય તા.7 મે સવારના 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધીનો છે. મતદાર માહિતી કાપલી માત્ર માહિતી માટે જ છે મતદાન માટે ઓળખનો પુરાવો નથી. મતદાન મથકે મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. મતદાન માટે સવેતન રજા મળે છે. જો ન મળે તો 1950 પર ફરિયાદ કરી શકાય છે. દરેક નાગરિકે પોતાની મતદાનની ફરજ નિભાવી સપરિવર મતદાન કરવા અવશ્ય જવું જોઈએ.
*મતદારો માટે ચૂંટણીકાર્ડ ઉપરાંતના વૈકલ્પિક પુરાવા*
મતદારો જ્યારે મતદાન કરવા જાય ત્યારે મતદાર કાપલી સિવાય પણ એક પુરાવો લઈ જવાનો રહેશે. જેમાં ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, મનરેગા જોબ કાર્ડ, પાસબુક(બેન્ક/પોસ્ટ ઓફિસ દ્વારા ઇસ્યુ કરાયેલ ફોટો સાથેની), લેબર મિનિસ્ટ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ હેલ્થ ઈન્સ્યોરન્સ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, સ્માર્ટકાર્ડ(NPR અંતર્ગત RGI દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ), ભારતીય પાસપોર્ટ, ફોટો સાથેનું પેન્શન ડોક્યુમેન્ટ, રાજ્ય/કેન્દ્ર સરકાર,પી.એસ.યુ. દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ ફોટા સાથેનું સેવા ઓળખપત્ર, ઓફિશિયલ આઈ. ડી. કાર્ડ (એમ.પી./એમ. એલ.એ), યુનિક ડિસેબીલીટી આઈડી માન્ય રહેશે.
*મતદાન મથક ખાતેની સુવિધાઓ*
વ્હીલકહેર, સ્વયંસેવક, લઘુતમ સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, દિવ્યાંગો માટે રેમ્પ, ટોઇલેટ વગેરે, તમામ મતદાન મથકના સ્થળોએ મતદાન સહાયતા બુથ, ઓઆરએસ, મેડિકલ કીટ, બેસવા માટેની ખુરશીઓ, પંખો, શેડ તેમજ 85થી વધુ વયના મતદારો અને 40% થી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે
જામનગર જિલ્લામાં ૦૧-૦૪-૨૦૨૪ સુધીમાં ૧૨,૧૭,૭૦૬ તથા દ્વારકા જિલ્લામાં ૬૦૦૧૫૮ મતદારો નોંધાયા છે. પ્રથમ વખત મતદાન કરી રહેલ ૧૮ થી ૧૯ વર્ષના યુવા મતદારો જેમાં જામનગર જિલ્લાના ૩૦૪૪૮ અને દ્વારકા જિલ્લાના ૧૪૭૩૨ મતદારો છે. જામનગર જિલ્લામાં વરિષ્ઠ વયના (૮૫કે તેથી વધુ વયના) ૧૧૩૬૭ અને દ્વારકા જિલ્લામાં ૬૦૦૨ મતદારો છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં અનુક્રમે ૧૦૨૦૪ અને ૭૪૩૦ દિવ્યાંગ મતદારો છે. બંને જિલ્લાઓમાં કુલ ૧૭,૯૯,૪૫૩ (૯૮.૯૯%) મતદાર કાપલીઓનું વિતરણ કરાયું છે. તથા મતદારોના ઘર સુધી પહોંચીને બંને જિલ્લામાં કુલ ૪૫૫૦૦૦ મતદાર માર્ગદર્શિકાનું વિતરણ કારાયું છે. ૧૨-જામનગર સંસદીય મત વિસ્તારમાં કુલ ૧૪ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે.
૧૨-જામનગર લોકસભા મતદાર વિભાગમાં કુલ ૧૮૮૧ મતદાન મથકો આવેલા છે. જેમાંથી જામનગર જિલ્લાના-૫ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ-૧૨૪૭ મતદાન મથકો છે. જામનગર જિલ્લામાં કુલ ૩૦૪ સંવેદનશીલ મતદાન મથકો છે.પ્રત્યેક વિધાનસભા મતદાર વિભાગ દીઠ ખાસ મતદાન મથકોની રચના કરવામાં આવી છે. જેમાં દરેક વિધાનસભા મતદાર વિભાગમાં ૭ એમ કુલ ૪૯ મહિલા સંચાલિત મતદાન મથકો, ૭ દિવ્યાંગ દ્વારા સંચાલિત મતદાન મથકો, દરેક વિધાનસભા મતદાર વિભાગ દીઠ એક એક એમ કુલ ૭ મોડેલ મતદાન મથકો અને જિલ્લા દીઠ એક એક એમ કુલ ૨ યુવા અધિકારી દ્વારા સંચાલિત મતદાન મથક છે. જામનગર જિલ્લાના ૬૨૬ મતદાન મથકો પર વેબ કાસ્ટિંગ થશે. જામનગર અને દ્વારકા બંને જિલ્લામાં કુલ ૭૭૧૮ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ મતદાન મથક ખાતે ફરજ બજાવશે. જામનગર જિલ્લામાં ૧૪૮ ઝોનલ રુટ અને દ્વારકા જિલ્લામાં ૭૬ એમ કુલ ૨૨૪ ઝોનલ રુટ નક્કી કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં ૫૪૭ લોકો હોમ વોટિંગ કરશે.
રીસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરની વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, કાલાવડમાં હરધ્રોલ હાઇસ્કૂલ ધ્રોલ, જામનગર ગ્રામ્યમાં શ્રી હાલારી વિશા ઓશવાળ, જામનગર ઉત્તરમાં શ્રી ડી. કે. વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, જામનગર દક્ષિણમાં પ્રભુલાલ સંઘરાજ શાહ વિદ્યાલય અને ડીસીસી વિવિધલક્ષી હાઇસ્કૂલ, જામજોધપુરમાં સ્વામી વિવેકાનંદ, ખંભાળિયામાં મહેસૂલ ભવન અને દ્વારકા વિધાનસભા મતદાર વિભાગમાં શારદા પીઠ કોલેજ ઝોનલ રુટ રીસિવિંગ-ડિસ્પેચિંગ સેન્ટર રહેશે. જામનગર જિલ્લામાં કુલ ૧૨૪૭ ઇવીએમ અને ૧૨૪૭ વીવીપેટ તથા ૨૫% એટલે કે ૩૧૦ ઇવીએમ અને ૩૫% એટલે કે ૪૩૪ વીવીપેટ રિઝર્વ રાખવમાં આવ્યા છે.
જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુએ સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ૪ પોલીસ અધિક્ષક, ૭ નાયબ પોલીસ અધિક્ષક, ૨૩ પોલીસ ઇન્સ્પેકટર, ૮૦ પોલીસ સબ ઇન્સ્પેકટર,૧૨૭૨ એએસઆઈ/હેડ કોન્સ્ટેબલ/પોલીસ કોન્સ્ટેબલ/કોન્સ્ટેબલ, ૧૫૩૯ હોમગાર્ડ્સ/જીઆરડી, ૫૦૪ સેન્ટ્રલ પેરા મિલ્ટ્રી ફોર્સ તથા ૧૬ એસઆરપી કમાન્ડો તૈનાત કરાયા છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લો
કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડમાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં તેઓએ લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે જિલ્લામાં હાથ ધરવામાં આવેલ તૈયારીઓની ઉપસ્થિત સૌ કોઇને જાણકારી આપી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, મતદાન કરવા માટે મતદારયાદીમાં મતદારનું નામ નોંધાયેલ હોવું ફરજીયાત છે. મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ હોય મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ, આધાર કાર્ડ, પાનકાર્ડ, મનરેગા જોબકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, NPI હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ, ભારતીય પાસપોર્ટ, સંસદસભ્યશ્રી/ધારાસભ્યશ્રી/વિધાન પરિષદનાં સભ્યશ્રીને આપવામાં આવેલ અધિકૃત ઓળખકાર્ડ, Unique Disability ID (UDID) CARD, સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકારનો ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ, બેંક અથવા પોસ્ટ ઓફીસ દ્વારા આપવામાં આવેલ ફોટો સહિતની પાસબુક, શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યુરન્સ સ્માર્ટ કાર્ડ, કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/જાહેર સાહસો/ પબ્લિક લિમિટેડ કંપનીઓનાં કર્મચારીઓને આપવામાં આવેલ ફોટો ધરાવતું ઓળખકાર્ડ માંથી કોઈપણ એક ડોક્યુમેન્ટ હાર્ડકોપીમાં સાથે લઈ જવું જરૂરી છે. આપને આપવામાં આવેલ મતદાર માહિતી કાપલી માત્ર માહિતી માટે છે, તેનો ઉપયોગ મતદાન કરવા માટેના ઓળખના પુરાવા તરીકે થઈ શકશે નહી.
વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઉમેર્યું હતું કે, મતદાનનો સમય સવારે ૦૭.૦૦ વાગ્યા થી સાંજે ૦૬.૦૦ વાગ્યા સુધીનો છે. કોઈપણ વ્યવસાય, વેપાર, ઔદ્યોગિક ઉપક્રમ અથવા કોઈપણ અન્ય સંસ્થામાં નોકરી કરતી દરેક વ્યક્તિને મતદાનના દિવસે સવેતન રજા મેળવવાનો અધિકાર છે, જેથી દરેક વ્યક્તિ અચૂક મતદાન કરવા જાય તેવી સૌ મતદારોને વિનંતી છે. ભારતના હવામાન વિભાગ દ્રારા હીટવેવની આગાહી હોય તે અંગે પણ જરૂરી સાવચેતીઓ રાખવા જણાવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા લોકસભાની બેઠકના ૭મી મેના મતદાનની કામગીરીની તમામ તૈયારીઓ દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્રએ પૂર્ણ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફને માર્ગદર્શિકા અનુસાર તમામ પ્રકારની તાલીમ અપાઈ ચુકી છે. ચૂંટણી સ્ટાફ અને સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર તા. ૭ મેની મતદાનની કામગીરી માટે સુસજ્જ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા મતદારો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૩,૦૭,૪૫૪ પુરુષ અને ૨,૯૨,૬૮૪ સ્ત્રી અને ૨૦ ત્રીજી જાતિના મળી ૬,૦૦,૧૫૮ મતદારો નોંધાયા છે. જ્યારે સર્વિસ વોટર ૩૬૦ છે. જેમાં ૧૮-૧૯ વર્ષની ઉમરના કુલ ૧૪,૭૩૨ યુવા મતદારો નોંધાયા છે. જેમાં ૮૧-ખંભાળીયા વિધાનસભા મતવિસ્તારમાં ૧,૫૫,૬૪૧ પુરુષ અને ૧,૪૯,૪૦૬ સ્ત્રી અને ૧૨ ત્રીજી જાતિના મળી કુલ – ૩,૦૫,૦૫૯ મતદારો છે. ૧૮-૧૯ વર્ષની ઉમરના કુલ ૭,૬૧૧ યુવા મતદારો નોંધાયા છે. જયારે ૮ર-દ્વારકા વિધાનસભા મતવિસ્તારમાં ૧,૫૧,૮૧૩ પુરુષ અને ૧,૪૩,૨૭૮ સ્ત્રી અને ૮ ત્રીજી જાતિના મળી કુલ ૨,૯૫,૦૯૯ મતદારો છે. જેમાં ૧૮-૧૯ વર્ષની ઉમરના કુલ ૭,૧ર૧ મતદારોનો સમાવેશ થાય છે.
જિલ્લાના મતદાન મથકો
દેવભૂમિ દ્વારકા લોકસભામાં બે વિધાનસભા સમાવિષ્ટ છે. ખંભાળિયા અને દ્વારકા વિધાનસભા વિસ્તારના કુલ ૬૩૪ મતદાન મથકો ૧૨- જામનગર લોકસભામાં આવરી લેવામાં આવશે. જેમાં ખંભાળિયા વિધાનસભાના ૩૨૭ અને દ્વારકા વિધાનસભાના ૩૦૭ મળી જિલ્લાના ૬૩૪ મતદાન મથકો છે. આ મતદાન મથકો કુલ ૪૦૭ મતદાન મથક સ્થળોએ આવેલ છે. આ મતદાન મથકોમાં કુલ ૧૪૭ સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે. જેમાં ૮૪ મતદાન મથકો દ્વારકા તથા ૬૩ મતદાન મથકો ખંભાળિયા ખાતે આવેલ છે.
જિલ્લાના ખાસ મતદાન મથકો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સખી મતદાન મથકો ૧૪ જ્યારે પી.ડબ્લ્યુ.ડી મતદારોની સુવિધા સાથે જિલ્લામાં ૨, યુવા મતદાન મથક ૧, મોડેલ મતદાન મથક ૨ આમ કુલ ૧૯ ખાસ પ્રકારના મતદાન મથકો ઉભા કરવામાં આવશે.
મતદાન સ્ટાફ
ચૂંટણી ફરજ પર ખંભાલીયા અને દ્વારકા વિધાનસભા વિસ્તારમાં ૨૬૬૦ કર્મચારીઓ ફરજ બજાવશે. જેમાં, ૧૦૧૧ મહિલા પોલીસ ઓફિસર ફરજ બજાવશે અને તે પૈકી ૧૪ મહિલાઓને પ્રિસાઇડીંગ ઓફીસર તરીકે અને અન્ય ૯૯૭ ને પોલિંગ ઓફિસર તરીકે ફરજો સોંપવામાં આવેલ છે.
ઇવીએમ વીવીપેટની સંખ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં ૪૦૬ બેલેટ યુનિટ, ૩૯૮ કંટ્રોલ યુનિટ અને ૪૩૫ વીવીપેટ ઉપયોગમાં લેવા માટે સજ્જ કરાયા છે. દ્વારકામાં ૩૮૧ બિ.યુ., ૩૮૧ સિ.યુ. અને ૪૦૬ વિવીપેટનો ઉ૫યોગ મતદાન માટે થનાર છે. આમ, સમગ્ર જિલ્લામાં ૭૮૭ બી.યુ., ૭૭૮ સી.યુ., ૮૪૧ વીવીપેટ રહેશે.
ઝોનલ ઓફિસર અને ડિસ્પેસિંગ રૂટ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા વિધાનસભામાં ૩૭, દ્વારકામાં ૩૯ ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૭૬ જોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. એ જ રીતે આસિસ્ટન્ટ ઝોનલની નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં ૭૬ ડિસ્પેસિંગ રૂટ તૈયાર કરાયા છે.
વોટર સ્લીપ (VIS) અને બેઠકની મતગણતરી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બંને વિધાનસભા મળી ૬,૦૦,૧૫૮ માંથી ૫,૯૪,૩૭૮ સ્લીપનું ૯૯.૦૩ ટકા વિતરણ કરી દેવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા લોકસભા ચૂંટણીની મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ(હરીયા કોલેજ), જામનગરમાં કરવામાં આવશે.
ખર્ચ દેખરેખ નિયંત્રણ ટુકડીઓની વિગત
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસ.એસ.ટીની ૧૮, ફલાઇંગ સ્કવોડ ૧૮, વીએસટી ૦૫, એઈઓ -૦૩, વીવીટી ૦ર ટીમો કાર્યરત રહેશે.
મતદાન મથકો અને રૂટ પર આરોગ્ય સ્ટાફ
જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હિટવેવ સંદર્ભે તેમજ પોલિંગ સ્ટાફ અથવા તો મતદારના આરોગ્યની સારવાર સંદર્ભે પ્રાથમિક સારવારની કીટસ તૈયાર કરવામાં આવી છે. દરેક ઝોનલના રૂટ પર એક મેડિકલ ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી છે મતદાન સ્ટાફની સાથે ઓ.આર.એસ. સહિત પ્રાથમિક સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરેક મતદાન મથક ખાતે મિનિમમ ફેસીલીટી જેવી કે રેમ્પ, લાઈટ, ફર્નિચર, પીવાનું પાણી જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ મતદાન મથકો ૫ર છાંયડાની જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે. મતદાન મથકના કલ્સ્ટર વાઇઝ એક એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
દિવ્યાંગ મતદાર માટે સુવિધા
મતદાનના દિવસે દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોની માંગણી મુજબ મતદાનબુથથી પીક ડ્રોપ તથા વ્હીલચેરની સુવિધા અપાશે. જિલ્લાના શ્રવણ ક્ષતિ કે વાણી અંગેની દિવ્યતા ધરાવતા મતદારોને જિલ્લાના કંટ્રોલરૂમ ખાતે વિડીયો કોલ મારફત સાઇન લેંગ્વેજ જાણકારની નિમણૂક કરવામાં આવી છે.જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુ મતદારોને બ્રેઇન લિપિમાં વોટર ઇન્ફોર્મેશન સ્લીપનું વિતરણ કરવામાં આવેલ છે.બ્રેઇલના જાણકાર દ્રષ્ટિહિન મતદાર તેઓના સાથીદારની સહાય વિના મત આપી શકે તે માટે બેલેટ યુનિટ પર દરેક ઉમેદવારના નામ સામેના કેન્ડિડેટ બટન વાદળી બટનની જમણી બાજુમાં બ્રેઇલમાં નંબર દર્શાવવામાં આવે છે.
સુરક્ષા વ્યવસ્થા
જિલ્લા પોલીસવડા નીતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ આચારસંહિતા દરમિયાન ૬,૬૮૪ જેટલા સીઆરપીસી અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. ૭૯૬ હથિયાર જમા લેવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૫ ચેકપોસ્ટ ખાતે પણ પોલીસ ફરજ બજાવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી.ધાનાણીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી ખર્ચ અંતર્ગત દેખરેખ અંતર્ગત વિવિધ ટીમોમાં પણ પોલીસના સભ્યો ફરજ બજાવે છે. સેન્ટ્રલ પેરા મિલેટ્રી ફોર્સની ત્રણ કંપની, અને હોમગાર્ડ પોલીસ જવાનો છે. ૭૭૧ પોલીસ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. ૬૦ ગ્રુપ પોલીસ મોબાઇલ કાર્યરત છે. ૩૬ ક્યુ.આર.ટીની ટીમ પણ કામ કરી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાન જાગૃતિના પ્રયાસો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી જી.ટી.પંડ્યાના માર્ગદર્શનમાં મતદાર જાગૃતિના કાર્યક્રમો વિવિધ સ્થળોએ લોક જાગૃતિ સાથે યોજવામાં આવ્યા છે. મતદાન જાગૃતિ અને લોકોને વિવિધ માહિતી મળી રહે તે માટે પોસ્ટર અને બેનર મૂકવામાં આવ્યા છે. લોકશાહીનો આ પર્વ ઉમંગ ઉત્સાહ વચ્ચે યોજાય અને સૌ મહત્તમ મતદાન કરે તે માટે કલેક્ટરશ્રીએ મતદાન જાગૃતિ અભિયાનમાં દેવભૂમિ દ્વારકાના મીડિયા મારફત સકારાત્મક રીતે કવરેજ આપી અચૂક મતદાનનો સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે અને વધુમાં વધુ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં જોડાઇ મતદાન કરે તેવી અપીલ કરી છે.