જામનગર : પુલ પરથી બે વ્યક્તિઓ તણાઈ, એકનો બચાવ, મદદે આવેલ વ્યક્તિ લાપતા, આવી રીતે ઘટના ઘટી

0
807

જામનગર : જામનગર નજીક ગઈ કાલે રાત્રે સાડા નવેક વાગ્યાના સુમારે મજુરી કામ કરી ઘરે જતા બે વ્યક્તિઓ કોઝ વે પરના ઘસમસતા પ્રવાહમાં તણાયા બાદ એક વ્યક્તિનો બચાવ થયો હતો જયારે મદદે આવેલ અન્ય એક વ્યક્તિ લાપતા બનતા ફાયર અને ગ્રામજનો દ્વારા મોડી રાત સુધી બંનેની શોધખોળ કરવામાં આવી હતી. જો કે ચાર કલાક બાદ થંભાવી દીધેલ બચાવ કાર્ય સવારથી ફરી શરુ કરવામાં આવ્યું હતું.

જામનગર નજીક ગઈ કાલે રાત્રે વધુ  એક ગોજારી ઘટના ઘટી હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ,  જામનગરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જામનગરની ભાગોળે આવેલ નદી નાળા બેકાઠે થયા હતા. જેમાં દરેડ ગામે જીઆઈડીસી વિસ્તારમાંથી મજુરી કામ કરી પોતાના લાખાબાવાડ ગામે ઘરે જતા સગાભાઈઓ અબ્બાસ વલીમામદ અને તેનો ભાઈ ઓસમાણ વલીમામદ પુલ પરથી પાણીના પ્રવાહમાંથી પસાર થતા હતા ત્યારે સેવાળના કારણે પગ લપસી જતા બંને ભાઈઓ પુલ પરથી પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.  બરાબર આ જ સમયે લાખાબાવળ તરફથી આવી રહેલ હજી હુસેનભાઈ નામના ત્રીસ વર્ષીય યુવાન બંને ભાઈને બચાવવા આવી પહોચ્યા હતા અને પુલના પ્રવાહમાં ઝંપલાવ્યુ હતું.

જો કે આ બનાવમાં ઓસમાણભાઈ સલામત રીતે સામે કિનારે પહોચી ગયા હતા પરંતુ અન્ય બંને યુવાનો ડૂબી ગયા હતા. આ બનાવના પગલે લાખાબાવળ અને કનસુમરા ગામના લોકો બચાવકાર્ય માટે દોડી આવ્યા હતા. જામનગર ફાયરને જાણ કરવામાં આવતા એક ટીમ તુરંત દોડી ગઈ હતી અને બચાવ કાર્ય શરુ કર્યું હતું. ચારેક કલાકની મહેનત બાદ બચાવ કાર્ય થંભાવી દેવામાં આવ્યું હતું. જો કે લાપતા બનેલ બંને વ્યક્તિઓનો કોઈ સંપર્ક થયો ન હતો. બીજી તરફ આજે સવારે જામનગર ફાયરની ચાર સભ્યોની ટીમ ફરી સ્થળ પર જઈ બંનેની શોધખોળમાં લાગી ગઈ છે. આ બનાવના પગલે હતભાગીઓના પરિવારજનોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું હોવાના સમાચાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here