જામનગરમાં તાજીયાના ઝુલુસ દરમિયાન એક તાજીઓ જીવંત વિજતારને સ્પર્શી જતા થયેલ શોક સર્કિટના કારણે વીજ સોક લાગતા બે યુવાનોના મૃત્યુ નીપજ્યા છે. જ્યારે અન્ય 10 હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંના બે યુવાનોની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. માતમ પૂર્વે જ ગોજારી ઘટનાથી માતમ છવાઈ જતા શહેરભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
જામનગરમાં ઘટેલી કરુણઘટનાની વિગત મુજબ, દર વર્ષે મહોરમ નિમિત્તે જામનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં તાજીયાઓનું ઝુલુસ કાઢવામાં આવે છે. લગભગ એકાદ મહીનો સુધી મુસ્લિમ બિરાદરો આ તાજિયાઓને અવનવા શણગાર આપે છે. મોહરમના સપરમાં દિવસે તાજીયાઓનું જુલુશ નીકળતું હોય છે, ત્યારે ગઈકાલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા સાંજથી ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં ધરાનગર બે વિસ્તારમાં યા હુસેન યા હુસેનના નારા સાથે ઝુલુસ આગળ વધી રહ્યું હતું. ત્યારે મોટી ઊંચાઈ ધરાવતો તાજીયો ઉપરથી પસાર થતા 11 કેવીના જીવંત વાયરને સ્પર્શી ગયો હતો. જેને લઇને સૉર્ટ સર્કિટ થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
આ દુર્ઘટનામાં તાજીયાની નજીક રહેલ 10 થી 12 યુવાનો વિજ શોકનો ભોગ બન્યા હતા. જેને લઈને તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ધરારનગરમાં રહેતા આશિફ યુનુસ મલેક અને મહંમદ વાહિદ નામના બે યુવાનોના મોત થયા છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા 10 પૈકીના બે યુવાનોની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ ઘટનાના પગલે હોસ્પિટલ પરિસરમાં હિન્દુ મુસ્લિમ બિરાદરોના ટોળેટોળા ઉંમટી પડ્યા હતા. તાજીયાના જુલુસ બાદ નિશ્ચિત જગ્યા ઉપર રાખવામાં આવે છે અને બીજા દિવસે માતમ મનાવવામાં આવે છે. આ માતમ પૂર્વે જુલુસ દરમિયાન જ માતમ છવાઈ જતા શહેરભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે