જામનગર: એક સગા સાળાએ પેટમાં છરી ધરબી દીધી, બીજા સાળાએ બોલેરોની ઠોકર મારી બનેવીને પાડી દીધો

0
1635

જામનગર: જીલ્લાના જામજોધપુર તાલુકાના વિરપુર ગામે માતાજીની જાતર ચડી ગયા બાદ તમામ ભાવિકો પ્રસાદી લઇ સૌ સૌના ગામ જવાની તૈયારી કરતા હતા ત્યાં મંદિર પાસે જ બે સગા સાળાઓ અને સસરાએ મળી બનેવી-જમાઈનું ઢીમ ઢાળી દીધું, હજુ વાજતે ગાજતે ધાર્મિક કાર્યક્રમમાં તમામ સહભાગી થયા ત્યાં આ પ્રસંગ વચ્ચે ગમગીની છવાઈ ગઈ, યુવાનની કરપીણ હત્યા નીપજાવવામાં આવતા સનસનાટી મચી ગઈ, કેમ યુવાનની હત્યા કરવામાં આવી? હત્યા પૂર્વે શું એવું બન્યું હતું કે આરોપી સસરા-સાળાઓએ સગા બનેવી-જમાઈનું ઢીમ ઢાળી દીધું? આ તમામ બાબતોનો ત્યારે તાગ મળ્યો જયારે પોલીસે બે વર્ષનો બંને પરિવારના વણસેલા સબંધનો ઈતિહાસ જણાવ્યો

તા.૧૯/૫/૨૦૨૪, સમય બપોરે એકાદ-દોઢ વાગ્યાનો, સ્થળ છે જામજોધપુર તાલુકાના વીરપર ગામે લાંબધાર તરીકે ઓળખાતી જાણધરી માતાજીના મંદિરની જગ્યા, આ મંદિર ચારણ પરિવારના વિરમ કુટુંબના માતાજી એટલે જાણધરી માતાજી, મંદિરના ભુવા આલાભાઈ કારાભાઈ તરફથી અહી વિરમ પરિવારને નોતરું આપી માનતાની જાતરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને જામનગર સહિત અન્ય જિલ્લાઓમાં રહેતા દોઢસોથી વધુ ભાવિકો અહીં જાતર માટે આવ્યા હતા. બપોરે જાતર ચડી ગયા બાદ તમામ ભાવિકોએ પ્રસાદી લીધી હતી.

આ જાતરમાં સહભાગી થવા મૂળ પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના સાત વીરડા નેસના હાલ જામજોધપુર તાલુકાના માલવડા નેશમાં રહી ખેતી અને પશુપાલન કરતા વિરાભાઈ પાલાભાઈ ટાપરીયા તેના પિતરાઈ ભાઈ સાથે મોટરસાયકલ લઇ જાતર કરવા આવ્યા હતા. વિસાવદર તાલુકાના લાલપર ગામના માંડણ આલાભાઈ વિરમની દીકરી હીરીબેન સાથે બે વર્ષ પૂર્વે વિરાભાઈના લગ્ન થયા હતા. જો ત્રણ માસના ગાળામાં હીરીબેન પિયરમાં રીસામણે ચાલી ગઈ હતી. ત્યારથી માંડી આજ દિવસ સુધી હીરીબેન પરત આવી ન હતી. આ પોણા બે વર્ષના ગાળામાં બંને પરિવાર વચ્ચે વિખવાદ વધ્યો હતો અને બે ત્રણ વખત મામલો પોલીસ દફતર સુધી પણ પહોહ્યો હતો.

આ જાતરમાં વિરાભાઈના સસરા પક્ષવાળાઓ પણ આવ્યા હતા. ૨૬ વર્ષીય વીરાભાઈ પ્રસાદી લીધા બાદ મંદિર નજીક પોતાના સસરા અને સાળાઓને જોયા અને તેઓની પાસે પહોચી તમારી દીકરી-બેનને ક્યારે પરત મોકલો છે એમ સસરા અને સાળાઓને કહ્યું હતું. ‘તમે પરીવારના મારી બેનને દુખી કરો છો, અમારે મોકલવી નથી એમ કહી વિરાભાઈના ત્રણેય સાળાઓ પુના માંડણ વીરમ, નાથા માંડણભાઈ વીરમ અને રાજુ ઉર્ફે રાજો માંડણ વીરમ ઉશ્કેરાયા હતા અને બોલાચાલી કરી હતી. દરમિયાન આરોપી પુનાભાઈએ છરી વડે હુમલો કરી વીરાભાઈના પેટના ભાગે એક ઘા મારી દીધો હતો જેને લઈને લોહી લુહાણ થઇ ગયેલ વીરાભાઈ પોતાનો જીવ બચાવવા ભાગ્યો હતો.

આ સમયે અન્ય સાળો રાજુ પોતાની બોલેરો ચાલુ કરી પુરપાટ ચલાવી વીરાને જોરદાર ઠોકર મારી દઈ કચડી નાખ્યો હતો. આ બનાવના પગલે મંદિર પરિસરમાં હાજર વીરાના પિતા પાલાભાઈ ટાપરીયા અને તેનો અન્ય પુત્ર વિજસુર તેમજ બે ભત્રીજાઓ માંડણ સંત અને જીવા સામંત આવી જઈ વીરાને બચાવવા પ્રયાસ કર્યો હતો. ત્યારે આરોપી નાથા માંડણે છરી સાથે કુદી વીરાના માથાના ભાગે ધડાધડ ઘા માર્યા હતા. પિતા-પુત્ર અને ભત્રીજાઓ વીરાને બચાવવા આવતા જ આરોપી પુનાએ માંડણને છરીનો એક ઘા મારી, આરોપી નાથાભાઈએ વીજસુરને છરીનો એક ઘા મારી ગંભીર ઈજાઓ પહોચાડી હતી. આ ધીંગાણા વચ્ચે આરોપી નાથાએ મારી નાખો મારી નાખો એમ કહી ચારેય પિતા પુત્રોએ ગંભીર રીતે ઘવાયેલ અંને જમીન પર પડેલા વીરાને આડેધડ માર માર્યો હતો.

આ બનાવને પગલે આગવાનો અને વડીલો આવી બંને પક્ષ વચ્ચે પડી એક બીજાને જુદા પાડ્યા હતા. દરમિયાન સ્થળ પર આવેલ ૧૦૮ની ટીમે ઘવાયેલ વિરાભાઈને મૃત જાહેર કરી અન્ય ત્રણને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડ્યા હતા. આ બનાવની જાણ થતા શેઠ વડાળા પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી તંગ બની ગયેલ વાતાવરણ વચ્ચે બંદોબસ્ત જાળવ્યો  હતો. આ બનાવ અંગે મૃતકના પિતા પાલાભાઈએ આરોપીઓ સામે હત્યા સબંધિત ફરિયાદ નોંધાવી હતી. જયારે સામા પક્ષે પિતા પુત્રો અને ભત્રીજાઓ સામે મારામારી અને હુમલા સબંધિત ફરિયાદ નોંધાવી હતી.

પાલાભાઈને બે દીકરી અને છ દીકરા એમ આઠ સંતાનમાં મૃતક વીરાભાઈ બીજા નંબરના પુત્ર હતા. બંને દીકરીઓના લગ્ન થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પાલાભાઈના અન્ય ત્રણ પુત્રો બહાર ગામ રહી ધંધો-વ્યવસાય કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

NO COMMENTS