જામનગર-કાલાવડ રોડ પર મતવા ગામ પાસે ટેન્કરે જોરદાર ઠોકર મારતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવાર દંપતી અને તેના પુત્ર સહીત ત્રણના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા છે. જામનગરનો પરિવાર કાલાવડ ખાતે પોતાના સબંધીને મળવા જતો હતો ત્યારે અર્ધ રસ્તે કાળનો કોળીયો બની જતા કુટુંબમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જામનગર નજીક કાલાવડ રોડ પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતની વિગત મુજબ, જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા શુરેશભાઈ મકનભાઈ પઠાણ અને તેમના પત્ની સરોજબેન તથા પુત્ર સાવન સાથે એક જ મોટરસાયકલમાં બેસી જામનગરથી કાલાવડ રવાના થયા હતા. સંવારે નીકળેલ આ પરિવારનું મોટર સાયકલ મતવા નજીક પહોચ્યું ત્યાં ગોલાઈ પાસે સામેથી કાળ બનીને આવેલ ટેન્કરે બાઈકને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો. જેમાં બાઈક પરથી ફંગોળાઈ જતા પરિવારના ત્રણેય સભ્યોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવના પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો. બીજી તરફ બાઈક પરના તમામના મૃત્યુ નીપજ્યા હોવાની જાણ થતા જ ટેન્કર ચાલક ટેન્કર મૂકી નાશી ગયો હતો.
આ બનાવની જાણ થતા પંચકોશી એ ડીવીજન પોલીસ પીએસઆઈ વાય આર જોશી, એએસઆઈ સમાભાઈ ચાવડા, હેડ કોન્ટેબલ નીતેશભાઈ છૈયા, રાજેશ કરમુર અને અલ્તાફભાઈ સમા, કુલદીપસિંહ જાડેજા, માલદેવસિંહ ઝાલા, દફતરનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો અને જામ થયેલ ટ્રાફિક નિયંત્રિત કર્યો હતો. ત્યારબાદ પોલીસે ત્રણેય દેહને કાલાવડ પીએસસી ખસેડી, ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવના પગલે જામનગરના પરિવારમાં ગહેર શોકનું મોજું પ્રશરી ગયું છે.