જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે આવેલ એક મંદિર અને વૃદ્ધના મકાન પર પથ્થરમારો થયાની ઘટના સામે આવી છે. વૃદ્ધે પોતાની ધાર્મિક લાગણી દુભાવવા અંગે ચાર સખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. શહેરમાં શાંતિ કાયમ રહે એ હેતુસર પોલીસે તાત્કાલિક તપાસ શરુ કરી છે. વૃદ્ધ અને વિધર્મી સખ્સ વચ્ચે અંગત ઝઘડાને લઈને વિધર્મી સખ્સના ત્રણ મિત્રોએ મંદિર અને મકાન પર પથ્થરમારો કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.
જામનગરમાં શાંતિભર્યા વાતવરણને સમયાંતરે કોમી રૂપ આપવાના પ્રયાસો થતા રહ્યા છે. ગઈ કાલે પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં દિગ્જામ સર્કલ પાસે આવેલ ચેમ્બર કોલોની વીશાલ હોટલ સામે રાધાક્રુષ્ણ મંદીર પર અને તેની બાજુમાં આવેલ કડીયાકામ કરતા લખમણભાઇ તેજાભાઇ પરમારના ઘર પર ગઈ કાલે સવારે જામનગરમાં જ રહેતા કમલેશ, ચેતન અને આશીષ નામના ત્રણ સખ્સોએ પથ્થરમારો કર્યો હતો.
આ બનાવ અંગે વૃદ્ધે સીટી સી ડીવીજન પોલીસ દફતરમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં પોતાને નાઝીર નામના સખ્સ સાથે બોલાચાલી થઇ હતી અને તેની સાથે મનદુઃખ ચાલે છે. આરોપી નાઝીરના કહેવાથી તેના ત્રણ આરોપી મિત્રોએ ઘર અને મંદિર પર પથ્થરમારો કરી ધાર્મિક લાગણી દુભાવી હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સુધી પહોચવા તાત્કાલિક તપાસ હાથ ધરી છે.બીજી તરફ આ બાબતે હિંદુસેનાના સભ્યોને જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આરોપીઓને પકડી પાડવા ઉગ્ર માંગ કરી હતી.