જામનગર : જામનગરમાં રણજીતસાગર રોડ પર નીકળેલ એક યુવાને ગભરાયેલ બાળકીને જોઈ સાંત્વના આપી નામ-ઠામ પૂછતાં તેણીએ અધુરી વિગતો આપી હતી. જેને લઈને યુવાને ચાર વર્ષની બાળકીને પોલીસ દફતરે લઇ પહોચ્યા હતા. પોલીસે ટૂંકા ગાળામાં બાળકીના માતાપિતા સુધી પહોચી પુત્રીને પરત કરી હતી. પરપ્રાંતીય પરિવારની આ બાળકી રમતી રમતી બજારે નીકળી ગયા બાદ રસ્તો ભૂલી ગઈ હોવાનું સામે આવ્યું છે.
જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલ પટેલ પાર્કમાં રહેતા નરેશભાઈ છગનભાઈ ચુડાસમા ગઈ કાલે ખોડીયાર ફર્નીચર પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓની નજર એક બાળકી પર પડી હતી. ગભરાયેલ જણાવતી આ બાળકી પાસે જઈ નરેશભાઈએ તેને સાંત્વના આપી નામ-ઠામ પૂછ્યું હતું. જેમાં તેણીએ કોઈ જવાબ આપ્યો ન હતો જેથી નરેશભાઈએ તેણીને પોતાની સાથે લઇ ખંભાલીયા ગેઇટ ચોકીએ લઇ આવ્યા હતા. જ્યાં તેણીનું નામ પૂછતાં તેણીએ પોતાનું નામ પ્રિયા ઉવ ૪ હોવાનું અને પિતાનું નામ અમરરવિદીપ અને માતાનું નામ પૂનમદેવી હોવાનું કહ્યું હતું પણ ક્યાં રહેતા હોવાની ખબર ન હતી. જેને લઈને પોલીસે રણજીતસાગર રોડ પર નજર દોડાવી હતી. જેમાં રાત્રી સુધી માતા-પિતા નહી મળતા પોલીસે બાળકીને સ્ત્રી વિકાસ ગૃહમાં મોકલવા તજવીજ કરી હતી. દરમિયાન આ બાળકીના માતા-પિતા મળી આવતા તેણીને પરત સોંપવામાં આવી હતી. રમત રમતા બાળકી ઘરેથી નીકળી રસ્તો ભટકી ગઈ હોવાનું સામે આવ્યું હતું. વાલીઓને પોતાની વ્હાલી પુત્રી મળી જતા ઉંચે ચડી ગયેલ શ્વાસ પરત આવ્યો હતો. જાગૃત નાગરિક નરેશભાઈ અને પોલીસે પ્રસંસનીય કામગીરી કરી પરિવારથી વિખુટી પડી ગયેલ બાળકીને પરિવાર સાથે મિલાવી દીધી હતી.