જામનગર: જામનગર શહેર સહિત જીલ્લામાં આજે અતિ ભારે વરસાદ ખાબક્યો છે. છેલ્લા ૧૮ કલાકમાં જામનગર શહેરમાં સાડા બાર ઇંચ વરસાદ પડી જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, ત્રણ વ્યક્તિઓના મોત થયા જયારે ૩૫ લોકોને બચાવી લેવાયા અને ૫૦થી વધુ નાગરિકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. આવતી કાલે પણ જામનગર જીલ્લો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
જામનગરમાં મેઘરાજાની મહેર કહેરમાં પ્રવર્તિત થઇ છે. પ્રથમ જીલ્લાભરમાં પડેલા વરસાદની વાત કરવામાં આવે તો ગઈ કાલે મોડી રાતથી જામનગર શહેર સહિત જીલ્લામાં મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે છળી પોકારી હતી જે છળી દિવસભર અવિરત રહેતા શહેર સહિત જીલ્લામાં પાણી પાણી થઇ ગયું હતું. જામનગર શહેરમાં રાતે બે વાગ્યાથી શરુ થયેલ દિવસભર અનરાધાર વરસ્યો હતો. જે રાત્રીના આઠ વાગ્યા સુધીમાં સાડા બાર ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને લઈને શહેરના પૂર્વ ભાગમાં પાણી પાણી થઇ ગયું હતું. પૂર્વ ભાગના પાંચ વોર્ડના નીચાણવાળા વિસ્તારમાં કેડ સમાણા પાણી ભરાઈ ગયા હતા. બપોરે દસથી બાર વાગ્યા સુધીમાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ વર્ષી જતા સમગ્ર શહેર પાણી પાણી થઇ ગયું હતું. શહેરના બેડી ગેઇટ, જયશ્રી ટોકીઝ, કાલાવડ નાકા બહાર, ગુલાબનગર, રામેશ્વર, નવાગામ ઘેડ, પુનીતનગર, મોમાઈનગર અને બેડી સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. જયારે આજ વિસ્તારોમાંથી અનેક લોકો પાણીમાં ફસાઈ જતા ફાયર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાં હેડ કવાટર મારુતિનગરમાંથી 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જયારે ૧૨ લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા, આવી જ હાલત બેડેશ્વરમાં એસએસબી ગેઇટ સામેના વીસ્તારમાં થઇ હતી જ્યાં ભરાયેલ પાણીમાંથી ૫ લોકોને બચાવી લેવાયા જયારે અન્ય લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ હતું. જામનગર નજીકના મોખાણા ગામેથી પણ બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જયારે વરસાદે ત્રણ લોકોનો ભોગ લીધો છે. જેમાં ગુલાબનગર વિસ્તારમાં રિલાયન્સ પંપ પાછળ વોકળામાં ભરાયેલ પાણીમાં ડૂબી જતા યસ વિજયભાઈ પરમાર નામના ૧૩ વર્ષીય બાળકનું મોત થયું હતું જયારે રણજીતસાગર ડેમ સાઈટ પર અસીફ બચુંભાઈ અને તેના પુત્ર નવાઝના પણ ડૂબી જતા પિતા પુત્રના એક સાથે મૃત્યુ નીપજ્યા હતા.
બીજી તરફ શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાસાઈ થવાના બનાવ બન્યા હતા, જયારે સત્યનારાયણ મદિર પાછળ, તળાવની પાળમાં ચાર અને છ નંબરના ગેટ સામે આવેલ દીવાલ ધરાસાઈ થઇ સીધી તળાવમાં પડી ગઈ હતી. આ ઉપરાંત માંડવી ટાવર અને અન્ય બે સ્થળોએ દીવાલ પડી જવાની ઘટના સામે આવી હતી.
ભારે વરસાદના પગલે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કમિશ્નર એનડી મોદી સાથે સીધી વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ઘટતી મદદ કરવાની તૈયારી દર્શાવી હતી.બીજી તરફ ગ્રામ્ય પંથકમાં વરસાદને લઈને રંગમતી નદી બે કાઠે થતા દરેડ ગામ પાસે આવેલ ખોડિયાર મંદિર પરથી પાણી ફરી વળ્યા હતા. તો ડેમમાં પાણીની વ્યાપક આવક થતા ઓવરફલો થવાની સપાટી પર આવી ગયો છે. શહેરની જીવાદોરી સમો રણજીતસાગર ડેમમાં બાર કલાકમાં આઠ ફૂટ પાણી આવી જતા ઓવરફલો થવાની તૈયારીમાં છે. જેને લઈને ધારાસભ્ય દિવ્યેશ અક્બરીએ શહેરના બે, ત્રણ, ચાર અને ૧૦, બાર, તેર અને સોળ સહિતના બંને ડેમની નીચે વહેણમાં આવતા વિસ્તારોના લોકોને સલામત રહેવા સચેત કર્યા છે. તો બીજી તરફ ધ્રોલ, જોડિયા અને કાલાવડમાં પડેલ ક્રમશ સાત, આઠ અને પાંચ ઇંચ વરસાદના પગલે ત્રણેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા હતા અને અનેક ગામડાઓની નદીઓ બે કાઠે થઇ હતી. પરિણામે જીલ્લાના ૨૫ પૈકીના મોટાભાગના ડેમમાં ઊંડ, આજી સહિતના ડેમમાં વ્યાપક આવક થઇ છે જયારે વોડીસાંગ, ઉમીયાસાગર છલોછલ થઇ જવા પર આવી ગયા છે. બીજી તરફ ફલ્લા પાસેનો કનકાવટી ડેમ ભય જનક સ્થિતિએ આવી જતા ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા હતા. હજુ પણ વરસાદનું જોર યથાવત હોવાથી અને આવતી કાલે અતિ ભારે વરસાદની આગાહી હોવાથી જીલ્લાના તમામ ડેમ ઓવરફળો થઇ જવાની આસા સેવવામાં આવી રહી છે.