જામનગર :…તો 7 દિવસમાં અહી થશે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી, તંત્રનો આદેશ

0
823

જામનગર : ગુજરાત સરકાર દ્વારા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ(પ્રોહીબીશન) એક્ટ-૨૦૨૦ પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ ગેરકાયદેસર સરકારી જમીન પચાવી પાડવા અથવા તો કોઈ વ્યક્તિગત માલિકીની જમીન ગેરકાયદેસર પચાવી પાડવાની વૃત્તિને કાયદાકીય રીતે અટકાવવામાં આવશે. આ અંગે જામનગર કલેકટર દ્વારા જમીન દબાણ કરનાર લોકોને દબાણ હટાવવાની અને જે કોઈ ત્રાહિત વ્યક્તિ હોય તેને પણ અરજી કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. ત્યારે દરેડના મસીતીયા મેઈન રોડ વિસ્તારના રોડ પર સરવે નં.૧૩૧ અને ૧૩૨માં ખૂબ મોટા પાયે ગેરકાયદેસર સરકારી જમીન પર દબાણ કરવામાં આવેલા છે, તેને આ હેઠળ આવરીને કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક અને અધિક નિવાસી કલેકટર દ્વારા આજે તે વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.


આ તકે કલેક્ટર રવિશંકરે જણાવ્યું હતું કે, લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ અંતર્ગત જામનગર વહીવટીતંત્રને જનતા પાસેથી ૧૩ અરજીઓ મળી છે. આ બાબતે વહીવટી અધિકારીઓની તપાસ અર્થે નિમણૂંક કરવામાં આવી છે. સાથે જ સુઓમોટો અંતર્ગત બે અરજીઓ મળેલ છે, જેમાં દરેડ વિસ્તારના ૧૩૧ અને ૧૩૨ સર્વે નંબર જે જુના સર્વે નંબર ૨૬/૧ જે સરકારી જમીન હતી અને હાલમાં ખૂબ મોટા પાયે તેના પર અજાણ્યા ઇસમો દ્વારા લેન્ડ ગ્રેબિંગ કરીને ભાડુઆતો રાખવામાં આવે છે તે જમીન પર નિરીક્ષણ કરવામાં આવ્યું.

આ માટે સરકારી આધારો અનુસાર સંપૂર્ણ ખરાઈ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા તે જમીન પર રહેતા લોકોને ત્યાંથી હટી જવા માટે જણાવવામાં આવે છે. આ માટે સાત દિવસ બાદ જો લોકો ત્યાંથી દબાણ નહીં હટાવે તો તે અંગે કાયદાકીય કાર્યવાહી થશે, તે સાથે જ સર્વે નંબર ૧૫માં ગૌશાળા આવેલી છે જેમને પણ ત્યાંથી ગૌશાળા હટાવી લેવા એક અવસર આપવામાં આવે છે ત્યારબાદ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ કલેકટરે ઉમેર્યું હતું

NO COMMENTS