જામનગર મહાનગર પાલિકાની કામગીરી છાસવારે વગોવાતી આવી છે. કહેવાતા એન્જીનીયરોની ટીમ દ્વારા અણઘણ આયોજનોને લઈને અનેક વખત નાગરિકો તકલીફો ઉઠાવી ચુક્યા છે ત્યારે વધુ એક બુદ્ધિનું પ્રદર્શન કરતી કામગીરી સામે આવી છે. મહાનગરપાલિકાએ કર્મચારીનગરથી ધોરીવાવ ગામને જોડતા રસ્તાનું કામ શરુ કરી દીધું, કામ શરુ કરી દેતા પૂર્વે વીજ કંપનીના પોલ પણ ન દેખાયા, વીજ પોલને રસ્તા વચ્ચેથી જાણે હટાવવાનું ભૂલાય ગયું હોય તેમ વીજ પોલ વચ્ચેથી રસ્તો બનાવી નાખ્યો છે. આ મુદ્દો ગાજ્યો ત્યારે મહાનગરપાલિકાએ ખુલાસો કર્યો છે કે વીજ તંત્ર સાથે વાતાઘાટો થઇ ગઈ છે અને વીજપોલ દુર કરી માર્ગને ખુલ્લો કરવામાં આવશે..
વાત છે જામનગર મહાનગરપાલિકાના અણઘડ વિકાસ કાર્યની, જામનગર મહાનગરપાલિકાએ શહેરની ભાગોળે આવેલ કર્મચારીનગર અને ધોરીવાવ ગામને જોડતા ફોરટ્રેક સીસી રોડ બનાવવાની કામગીરી શરુ કરી છે. રસ્તો બનાવવાનું કામ અંતિમ તબ્બકામાં છે પણ મહાનગરપાલિકાના ઇન્જીનીયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. અહી ઉભા થયેલ જીવંત વીજ પોલને હટાવ્યા વગર જ વીજ પોલ વચ્ચેથી રસ્તો બનાવી નાખ્યો છે. અહીના સામાજિક કાર્યકરોની નજર પડી અને અણઘડ વહીવટનો નમુનો સામે આવ્યો છે. વિરોધ પક્ષના નેતા ધવલ નંદા અને કોંગ્રેસના યુવા હોદ્દેદાર પાર્થ પટેલે તો એન્જીનીરો સામે પગલા ભરવાની પણ માંગ કરી છે.
વીજ પોલને દુર કર્યા વગર જ રસ્તો બની ગયા બાદ હાલ જામનગર મહાનગરપાલિકા હાલ ધુધુ થઇ ગઈ છે. લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યા બાદ હવે આ વીજ પોલ દુર કરવાની વાત મહાનગરપાલિકા કરી રહી છે. અડધું કામ થયું છે એમ સ્વીકાર કરી વીજ તંત્ર સાથે વાટાઘાટ થઇ ગઈ છે અને ટૂંક સમયમાં વીજ પોલ હટાવી માર્ગ પરની અડચણ દુર કરવામાં આવશે એમ મેયર વિનોદ ખીમસુર્યા અને સીટી ઈજનેર ભાવેશ જાનીનું કહેવું છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા વીજ પોલ દુર કર્યા વગર જ રસ્તો બનાવી નાખતા અધિકારીઓની છીછરી કૌસ્લ્યતા સામે આવી છે. ભલે મહાનગરપાલિકા એમ કહે કે છેલ્લા ત્રણ મહિનાથી વીજ તંત્ર સાથે વીજ પોલ હટાવવા બાબતે ચર્ચા કરી રહ્યા છીએ પરંતુ વાસ્તવિકતા કૈક ઓર જ છે. પીજીવીસીએલ એમ કહે છે કે ત્રણ દિવસ પૂર્વે મહાનગરપાલિકાએ સંદેશો પાઠવ્યો છે અને ગઈ કાલે એક ટીમ દ્વારા સર્વે પણ કરાવી લેવામાં આવ્યો છે. સર્વેના રીપોર્ટ બાદ મહાનગરપાલિકાને 1.૬૭ લાખ રૂપિયાનો પોલ બદલાવ બાબતના ખર્ચ અંગે એસ્ટીમેટ આપ્યો છે જો કે મહાનગરપાલિકા સર્વે મુજબના રૂપિયા ભરપાઈ કરશે ત્યારે જ વીજ પોલ અહીથી હટાવી શકાશે એમ એચ ડી વ્યાસ વીજ અધિક્ષક, જામનગર વર્તુળએ કહ્યું છે.