જામનગર : જામનગર જિલ્લાના પંચકોશી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી અને તેની પત્નીનો એક સાથે જ મૃત અવસ્થામાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઇ છે. આપઘાત, હત્યામાં અટવાયેલા આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
જામનગર પોલીસ હેડકવાટરમાં રહેતા અને પાંચકોશી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરજ બજાવતા ભરતભાઈ જાદવ અને તેમના પત્ની જાગૃતિબેનનો નિષ્પ્રાણ દેહ એક સાથે જ તેમના નિવાસ્થાનેથી મળી આવ્યા હતા. જો કે પોલીસે મીડિયાને હેડ કવાર્ટર પ્રવેશતા અટકાવી દીધા હતા. પોલીસે સ્થળ પર પહોંચી બંનેના મૃતદેહ કબજે કરી બંનેના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે બંનેના દેહને હોસ્પિટલ ખસેડી પરિવાર જનોના નિવેદન નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કેવા સંજોગોમાં આ બનાવ બનો એ હાલ પોલીસે સ્પષ્ટ કર્યું નથી.
આ બનાવમાં સૌથી મોટી ચિંતાજનક બાબત એ છે કે મૃતક દંપતીનો માત્ર ચાર માસનો બાળક જીવિત રહ્યો છે. ઘોડિયામાં સુતેલ બાળક અને તેની જ સામે તેના માતા પિતાના દેહ જોઈ પોલીસ પણ ઘડીક તો સુન્ન બની ગઈ હતી. ઘટના કઈ રીતે ઘટી તેનો તાગ હજુ મળ્યો નથી પણ માશૂમ બાળકે એક સાથે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.